છાત્રાઓની આંતરિક તપાસનો મામલો રાષ્ટ્રીય તખતે વગોવાયો

ભુજ, તા. 14 : નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત અને મિરજાપર રોડ સ્થિત માત્ર મહિલાઓ માટેની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટયૂટ ખાતે છાત્રાઓની કરાયેલી અજૂગતી તપાસનો મામલો રાષ્ટ્રીય મીડિયામાં પણ છવાયો હતો. વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાએ સોશિયલ મીડિયામાં `િટ્વટર' પર આ મામલો ઉઠાવ્યા બાદ રાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આ મુદ્દા પર ખેંચાયું હતું. ટ્વિટરના અનેક યુઝર્સે આ મુદ્દા પર સંસ્થાના કૃત્ય તરફ રોષ વ્યક્ત કર્યો હતો. ઈન્ડિયન એક્સપ્રેસ, ઈન્ડિયા ટૂડે બાદ ધ પ્રિન્ટ જેવાં જાણીતાં મીડિયાગૃહો સાથે સંકળાયેલા શેખર ગુપ્તાએ  એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલને ટેગ કરીને આજે બપોરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, ગુજરાતની કોલેજે 68 છાત્રાઓ રજસ્વલા છે કે નહીં તે માટે આંતરવત્રો ઉતારીને તપાસ કરી.આ ટ્વિટને પગલે અનેક લોકોએ તેના વિશે પ્રતિભાવ આપ્યા હતા. કોલેજ વહીવટીતંત્રની આવા કદમ બદલ આલોચના કરવામાં આવી હતી અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એક યુઝરે જણાવ્યું હતું કે, આ સમાજનું નીચલું સ્તર બતાવે છે. જેઓ એમ કહે છે કે, આપણે આધુનિક થઈ ગયા છીએ તેઓએ આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ કોઈ પણ રીતે સર્વગ્રાહી વિકાસની વાત નથી. એક યુઝરે ગુજરાતના `બેટી બચાઓ, બેટી પઢાઓ' અભિયાનને ટાંકીને બનાવની નિંદા કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer