નર્મદાનાં વધારા પાણી માટે પ્રથમ બન્ની લિંક કેનાલના પ્રયાસોને આવકાર

ભુજ, તા. 14 : ગુજરાત સરકાર તેના અંદાજપત્રમાં બન્ની લિંક કેનાલ માટે રૂા. 301 કરોડની ફાળવણી કરી રહી હોવાના અખબારી હેવાલને બન્ની-પચ્છમના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય મીરખાન પી. મુતવાએ આવકાર આપ્યો છે.આ બાબતે કચ્છ નર્મદા અભિયાનના અશોક મહેતાએ આપેલી યાદીને તેમણે વખોડી કાઢી જણાવ્યું છે કે બન્ની એશિયા ખંડનો મોટામાં મોટું ચરિયાણ મેદાન છે. તેમાં અસંખ્ય જાતોના પૌષ્ટિક ઘાસ ઊગે છે. વારંવાર પડતા દુષ્કાળોને લીધે આ પ્રક્રિયા મંદ પડી ગઇ છે. બન્નીમાં કચ્છનું મોટા ભાગનું પશુધન છે. દુષ્કાળને કારણે તેને હિજરત કરવાની કે ભૂખે મરવાની ફરજ પડે છે. આવી પરિસ્થિતિમાં નર્મદાના પાણી ઘાસ ઉગાડવા પહોંચે તે માટે બન્ની લિંક કેનાલ મંજૂર કરવામાં આવી છે. પ્રથમ તેનું કામ થાય તે જરૂરી છે.વધુમાં શ્રી મુતવાએ કહ્યું છે કે, દુધઇ કેનાલના બાકી કામ સાથે બન્ની લિંક કેનાલનું કામ પણ શરૂ કરવામાં આવે તો બંને કામો નિયત સમયમર્યાદામાં પૂરા થઇ જાય અને બન્નીને ઘાસ ઉગાડવા નર્મદાનું પાણી મળી શકે તો તે મુજબ કામગીરી ચાલુ રાખવા તેમણે વિનંતી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer