એક વિચાર અને દૃષ્ટિથી સફેદ રણનો ચમત્કાર

એક વિચાર અને દૃષ્ટિથી સફેદ રણનો ચમત્કાર
ગિરીશ જોશી દ્વારા-  સફેદ રણ (ધોરડો), તા. 13 : સમગ્ર ભારતના જુદા જુદા વિસ્તાર પાસે ધરબાયેલી વિરાસતનાં દેશ-વિદેશના પર્યટકો દર્શન કરવા આવે અને ભારતીય સંસ્કૃતિને જાણે-માણે કઇ રીતે એ બાબતના મંથનની આજે ધોરડો સફેદ રણ વચ્ચે ઊભી કરાયેલી તંબુનગરી સાક્ષી બની હતી. દેશના વિવિધ રાજ્યના પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ત્રણ દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં પર્યટનની તકો વધુ વિસ્તારવા હાકલ કરી હતી. આ પ્રસંગે ભારત સરકારના પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ પણ ઉપસ્થિત હતા.ભૂકંપથી ભાંગી ગયેલા આ કચ્છને ઊભું કરવાની સૌને ચિંતા હતી, પરંતુ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇની એક દૂરની દૃષ્ટિએ બે દાયકામાં કચ્છની તાસીર બદલી નાખી છે. કચ્છ પાસે મોટી-મોટી વિરાસત ધરબાયેલી છે. બસ તેને બહાર લાવવાની જરૂર હતી. રણથી લોકો દૂર ભાગતા હોય કે રણ એટલે વેરાન જગ્યા ગણાય, એ જ આ મીઠાના રણ પાસે પ્રવાસીઓને ખેંચવાની તાકાત છે. કચ્છમાં આવતા પ્રવાસીઓને પાંચ તીર્થનાં દર્શન કરવાનો પણ લાભ મળે છે, એમ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. દેશના 17 રાજ્યોમાંથી આવેલા જે તે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સાથીઓ, મેનેજિંગ ડિરેકટરોને સંબોધતાં વિજયભાઇએ કહ્યું કે,  પ્રવાસન ક્ષેત્રે જો બધાં જ રાજ્યો આગળ આવશે તો એક ભારતની કલ્પના સાકાર થશે. આ માટેય જરૂરત પડશે તો ગુજરાત આગેવાની લેશે, તેવી તેમણે તૈયારી દર્શાવી હતી. તાજેતરના કેન્દ્રીય બજેટમાં ધોળાવીરાને વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ પણ કચ્છ પાસે છે અને પ્રવાસનને  વિકસાવવાથી દરેક રાજ્યોની આવકના નવા સ્રોત ઊભા થાય છે. જે સ્થળે પર્યટકોની આવનજાવન થાય ત્યાં આસપાસના હજારો લોકોને તેનો ફાયદો થતો હોય છે. તેમણે ધોરડો ગામના સરપંચ મિંયા હુશેનનો દાખલો આપ્યો ને કહ્યું કે, અહીંના સ્થાનિક લોકો રિસોર્ટ ચલાવતા થઇ ગયા છે. અખિલ ભારતીય પરિષદમાં ઉપસ્થિત ભારત સરકારના પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે જણાવ્યું કે, પુરુષાર્થથી બનાવવામાં આવેલી આ તંબુનગરી સાચા અર્થમાં સ્વર્ગ છે. રેગિસ્તાનમાં આધુનિક ઢબે એક શહેર જેવું સર્જન કરવામાં આવ્યું છે. આ એક માત્ર સ્વપ્ન નથી પણ પ્રકૃતિનાં દર્શન કરવા મળે છે. એક વિચાર અને દૃષ્ટિ શું પરિણામ લાવી શકે છે  અગર દેશમાં ક્યાંય જોવું હોય તો ધોરડો આવવું પડે. ભારતની સૌથી મોટી તંબુનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કચ્છના ધોળાવીરાનો પણ દાખલો આપી આવનારા દિવસોમાં મ્યુઝિયમ સહિતની સુવિધાઓ ઊભી કરી સાઇટને ફરીથી ચાલુ કરવાની ઘોષણા કરી હતી. પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં ગુજરાત સરકારના  પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ કચ્છનું રણ, સાપુતારા, ગીર, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી આવાં અનેક સ્થળો થકી ગુજરાત પણ પર્યટનનું હબ બન્યું છે. ધોરડોના રણમાં સફેદ ચાંદની રાતનો અનુભવ કરનારા પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. રાજ્ય સરકારના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહીર, કચ્છના સાંસદ વિનોદભાઇ?ચાવડા, કચ્છના ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી તથા જિલ્લા ભાજપના મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં ભારત સરકારના પ્રવાસન સચિવ યોગેન્દ્ર ત્રિપાઠીએ સ્વાગત પ્રવચનમાં આ ત્રણ દિવસીય પરિષદનો હેતુ સ્પષ્ટ કરી ભારતભરમાંથી આવેલા અધિકારીઓને આવકાર્યા હતા. ડી.જી. ઉષા શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં એમ.ડી. જેનુ દેવને આભાર માન્યો હતો. મુખ્યમંત્રી સહિતના મહેમાનોનું રાજ્ય સરકારના સચિવ મમતા વર્માએ સન્માન કર્યું હતું. બાદમાં દીપ પ્રાગટય કરી પરિષદ ખુલ્લી મૂકવામાં આવી હતી. હેલિપેડ ઉપર મહેમાનોનું કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે., એસ.પી. સૌરભ તોલંબિયા, પ્રવાસનના નીરવ મુન્શી વગેરેએ સ્વાગત કર્યું હતું. પરિષદના પ્રારંભ પહેલાં મુખ્યમંત્રીએ ટેન્ટ સિટીમાં થીમ પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં ટેન્ટ સિટીના જી.એમ. અનિલ અગ્નિહોત્રી, શ્રી શુકલા વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના અગત્યના પ્રવાસન સ્થાનો પર ઇનોવેટિવ અને ડેકોરેટિવ લાઇટિંગ તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો માટેની કન્સલ્ટન્સી સર્વિસ અંગે ભારતીય પ્રવાસન નિગમ અને રાજ્ય પ્રવાસન નિગમ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આઇ.ટી.ડી.સી.ના એમ.ડી. કમલા વર્ધન રાવ અને ગુજરાત ટૂરિઝમના એમ.ડી. જેનુ દેવન વચ્ચે એમઓયુનો કરાર કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer