માંડવીમાં દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ

માંડવીમાં દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ
દેવેન્દ્ર વ્યાસ દ્વારા- માંડવી, તા. 13 : પ્રવાસનના પરિપ્રેક્ષ્યમાં વધુ ને વધુ સહેલાણીઓને લોભાવતા કચ્છમાં સફેદ રણની સમાંતરે અહીંની રૂપેરી રેતી (વ્હાઇટ સેન્ડ)વાળા દરિયાકિનારાને ટૂરિઝમ સ્પોટ તરીકે વિસ્તારવા હવેથી દર વર્ષે રણોત્સવ સાથે અહીં ટેન્ટ સિટીનો નજારો સાકાર કરાવાશે. ભુજ, માંડવી, ધોરડોની સંગાથે પંચતીર્થી, ભદ્રેશ્વર, માતાના મઢ, નારાયણ સરોવર સહિત ક્ષિતિજો વિસ્તારાશે એમ અત્રેના વિન્ડફાર્મ બીચ ખાતે ગુજરાત ટૂરિઝમ આયોજિત વ્હાઇટ?સેન્ડસ બીચ ફેસ્ટિવલનો આરંભ કરાવતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ?રૂપાણીએ કહ્યું હતું. 55 જેટલા તંબુ આવાસવાળા ટેન્ટ સિટીનું લોકાર્પણ કરાયું હતું. આ અગાઉ એકાદ કલાકના સાંસ્કૃતિક પ્રદર્શનમાં કલા પ્રસ્તુત કરાઇ હતી. હવાઇ માર્ગે અત્રેની એરસ્ટ્રીપ પર પગરણ કર્યા બાદ રળિયામણા વિન્ડફાર્મ બીચ ખાતે આવેલા મુખ્યમંત્રીએ રિસેપ્શન પરિસરમાં પ્રવાસન વિભાગના મંત્રી જવાહરભાઇ ચાવડા, ટૂરિઝમ વિભાગના રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા વગેરે સાથે રેત શિલ્પનું અનાવરણ કર્યું હતું. શ્રી રૂપાણીએ કચ્છના વિકાસને વધુ ને વધુ ધબકતો રાખવા પ્રવાસન મોટું પ્રદાન આપી શકે તેમ હોવાથી માંડવીમાં ટૂરિઝમ ડેવલોપમેન્ટ અર્થે સર્વગ્રાહી આયોજનની ધરપત આપી હતી. તેઓએ માળખાંગત વિકાસ તરફ ઇશારો કરતાં ઉમેર્યું હતું કે, રૂકમાવતી નદી પરનો પુલ નિર્માણાધીન છે, પં. શ્યામજી કૃષ્ણ વર્માના સ્મૃતિ સ્થળ `ક્રાંતિતીર્થ'ની માવજત કરાશે. હવામાં ગુબ્બારા છોડી આયોજનનું મંગલાચરણ કરાયું હતું. મુખ્યમંત્રીનો સત્કાર મંચસ્થો મંત્રી જવાહરભાઇ ચાવડા, વાસણભાઇ આહીર, ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, નીમાબેન આચાર્ય ઉપરાંત નગરપતિ મેહુલ શાહ, તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ  સુરેશ?સંઘાર, શહેર ભાજપ પ્રમુખ?દેવાંગભાઇ દવે વગેરેએ કર્યો હતો. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી, નરેન સુરુ, એ.પી.એમ.સી. વતી રાજેન્દ્રસિંહ જાડેજા, ખીમજી પરિવાર ટ્રસ્ટ વતી ભરતભાઇ વેદ વગેરેએ અભિવાદન કર્યું હતું. આઇ.જી. સુભાષ ત્રિવેદી, કલેક્ટર ડી.કે. પ્રવીણા મેડમ, ટૂરિઝમના સચિવ મમતા વર્મા, દિલીપભાઇ ત્રિવેદી, પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી વગેરે મંચસ્થ હતા.મહેમાનોએ રજવાડી (પાંચ), નોન એ.સી. (20), ડીલક્ષ એ.સી. (10), પ્રીમિયમ એ.સી. (15) ટેન્ટ નિહાળ્યા હતા. આયોજનને સફળ બનાવવા દેવાંગ દવેના નેતૃત્વમાં કાઠડા ચારણ સમાજના પ્રમુખ દેવાંધભાઇ સાખરા વગેરેએ પરિશ્રમ લીધો હતો. આ અગાઉ એરસ્ટ્રીપ ઉપર ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, વાસણભાઇ આહીર, અનિરુદ્ધભાઇ દવે, કલેક્ટર ડી.કે. પ્રવીણા, મેહુલ શાહ, દિનેશ હીરાણી વગેરેએ અભિવાદન કર્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઇ?છાંગા વગેરે જોડાયા હતા. આ અગાઉ વ્રજવાણી, જોડિયાપાવા, કૃષ્ણની રાસલીલા, રાસોત્સવ જેવા સાંસ્કૃતિક પ્રદર્શનોએ આકર્ષણ જમાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer