રજસ્વલા વિશે જાણવા છાત્રાઓનાં કપડાં ઉતારાવાયાં

રજસ્વલા વિશે જાણવા છાત્રાઓનાં કપડાં ઉતારાવાયાં
ભુજ, તા. 13 : આ શહેરની ભાગોળે મિરજાપર રોડ ઉપર કાર્યરત ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર સંચાલિત માત્ર કન્યાઓ માટેની કોલેજ સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ ખાતે માસિક ધર્મના પાલન બાબતે જવાબદારો દ્વારા છાત્રાઓની અજુગતી અને અયોગ્ય તથા તેમના સ્વાભિમાનનો ભંગ થાય તે રીતે કરાયેલી શારીરિક તપાસણીનો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી કોલેજના છાત્રાલયની છાત્રાઓમાં આ મામલે ગઇકાલથી શરૂ થયેલો આંતરિક ગણગણાટ અંતે ફરિયાદના સ્વરૂપમાં વિધિવત રીતે શિક્ષણ ક્ષેત્રના જવાબદારો સુધી પહોંચતાં કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટમાં ઘટનાની સંવેદનશીલતાની નજરે સમગ્ર પ્રકરણની સત્યતા જાણવા અને જાતતપાસ માટે યુનિવર્સિટીનું પ્રતિનિધિ મંડળ કાર્યકારી કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાના વડપણ હેઠળ દોડી ગયું હતું.  `બેટી બચાવો, બેટી પઢાવો'નું અભિયાન ચલાવનારા મુખ્યમંત્રીકચ્છમાં હતા એ જ દિવસે કન્યાઓના ચીર હરવા જેવો ઘૃણાસ્પદ બનાવ બનતાં શિક્ષણ શર્મસાર થયું હતું અને ધર્મના નામે આચરાતા આવા કૃત્ય પર ફિટકાર વરસ્યો હતો. શહેરના પાદરમાં મિરજાપર રોડ ઉપર માત્ર કન્યાઓ માટેની આ કોલેજ 2012માં શરૂ કરાઇ છે. જેનું સંચાલન ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે, જેમાં વાણિજ્ય અને વિનયન પ્રવાહમાં 650થી વધુ છોકરીઓ અભ્યાસ કરી રહી છે. આ જ સંસ્થા દ્વારા કોલેજની સાથે છાત્રાલય પણ ચલાવાઇ રહ્યું છે. આ છાત્રાલયમાં રહીને કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાઓની માસિક ધર્મના પાલન બાબતે જવાબદારોએ કરેલી અયોગ્ય તપાસણીને લઇને આ સમગ્ર મામલો ઉદ્ભવ્યો છે. જે ભારે પેચીદો બન્યો છે. આ બાબતના પડઘા આજે કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સુધી રજૂઆતો અને ફરિયાદોના સ્વરૂપમાં પડયા છે. છાત્રાઓ અને તેમના વાલીઓને સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માસિકના પિરિયડ દરમ્યાન સ્વચ્છતા રાખે છે કે કેમ અને કઇ રીતે સ્વચ્છતા રાખવા સાથે પગલાં લે છે તેની ચકાસણી કરવા માટે કોલેજના જવાબદારો દ્વારા થયેલી તપાસણીએ આ સમગ્ર પેચીદા મામલાને જન્મ આપ્યો છે. જવાબદારો દ્વારા આ તપાસણી માટે કન્યાઓના વસ્ત્રો ઉતરાવવા સહિતના પગલાં લેવાયાં હોવાની ફરિયાદોને લઇને પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. માસિક ધર્મ બાબતે સમજણ અને જાગૃતિ માટે ખાસ કરીને સગીર કન્યાઓ અને યુવતીઓમાં જાગૃતિ આવે તેવા હેતુસર છેલ્લા કેટલાક સમયથી સરકારી રાહે વિવિધ સ્થળે જુદાજુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ વચ્ચે જિલ્લામથકની ભાગોળે કાર્યરત ધાર્મિક સંસ્થા સંચાલિત કોલેજમાં આ અસામાન્ય કહી શકાય તેવી ઘટના બની છે. છાત્રાઓ દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ તેઓ પિરિયડ દરમ્યાન માસિક ધર્મનું પાલન કરે છે કે કેમ તેને લઇને આ સમગ્ર મામલો ઉદ્ભવ્યો છે. કોલેજના જવાબદારો દ્વારા વર્ગખંડમાં કોણ માસિક ધર્મમાં છે તેવું પુછાયા બાદ છાત્રાઓને બાથરૂમમાં લઇ જઇ તેમના વસ્ત્રો ઉતરાવવાની સાથે તપાસણી કરાઇ હતી. આ બાબતે વિરોધ સાથે રજૂઆત કરતાં કોલેજના જવાબદારો દ્વારા કાઢી મૂકવાની ધાકધમકી અપાયાની અને અંતે છાત્રાઓ પાસેથી `ક્લીનચીટ' બાબતનું લખાણ પણ લખાવી લેવાયું હોવાની ફરિયાદો ઉઠી છે.દરમ્યાન આ મામલે કોલેજના ટ્રસ્ટી અને વાઇસ ચેરમેન પ્રવીણભાઇ પિંડોરિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, જેમના સામે છાત્રાઓએ ફરિયાદો સાથે આક્ષેપો કરેલા છે તેવા જવાબદાર સ્ટાફને બોલાવીને તેમને ઠપકો અપાયો છે. તો આ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ કરીને દોષિતો સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. સેવાની ભાવના સાથે કન્યા શિક્ષણને કેન્દ્રમાં રાખીને કાર્યરત કરાયેલી આ કોલેજ અને છાત્રાલયનું મેનેજમેન્ટ કન્યાઓની સાથે જ હોવાનું તેમણે ઉમેર્યું હતું.આ સંબંધે છાત્રાઓના વાલીએ કહ્યું, અમે કોલેજમાં આવ્યા ત્યારે દીકરીઓ રડી પડી અને અમારાથી આવું થયું છે. છાત્રાઓએ અત્યંત ગભરાયેલી અવસ્થામાં અમને જ્યારે કહ્યું ત્યારે અમને આઘાત લાગ્યો... અમારી દીકરીઓ અગાઉ અન્ય છાત્રાલયમાં રહીને આવી છે. આવું ગેરવર્તન કયાંય થયું નથી. ટ્રસ્ટીઓએ જવાબદારો સામે પગલાં લેવાં જોઇએ. તેમણે એમ પણ ઉમેર્યું કે સંસ્થા સારી છે, શિક્ષણ પણ સારું છે, નિયમો પાડવા જ જોઇએ. પણ અંગત જીવનના સર્વસામાન્ય કુદરતી ચક્ર સામેનો હઠાગ્રહ અને માનસિક ત્રાસ સામે લડવું પડશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer