કચ્છના 100 જણની નોકરી પાક્કી

કચ્છના 100 જણની નોકરી પાક્કી
ભુજ, તા. 13 : બેરોજગારી વધતી જતી હોવાના આક્ષેપનો સામનો કરી રહેલી રાજ્ય સરકારે અહીંની લાલન કોલેજમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત પ્લેસમેન્ટ મેગા જોબ ફેરનું આયોજન કરીને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા 100 છાત્રોની ઉપસ્થિત નોકરીદાતા કંપનીઓ મારફતે પસંદગી કરાવી હતી.આ ભરતી મેળામાં કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 1281 જેટલી જગ્યા માટે આ મેગા જોબ ફેરમાં 910 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સરકારી ઇજનેરી કોલેજ અને લાલન કોલેજના સંયુકત આયોજન તળે આયોજીત રોજગાર મેળાના પ્રારંભે  રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયા હાજર રહ્યા હતા.29 વિદ્યાર્થીઓને પ્રિ-પ્લેસમેન્ટ લેટર મંચસ્થ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.સતત બીજા વર્ષે આયોજીત કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ઝોનલ ઓફિસર સરકારી ઇજનેરી કોલેજના આચાર્ય ડો. પી.પી. રાઠોડે મહેમાનો અને રોજગારવાંચ્છુ વિદ્યાર્થીઓને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અધ્યક્ષપદેથી મંત્રી વાસણભાઇએ ભગવદ ગીતાને ટાંકી સતત વ્યસ્ત અને કર્મશીલ રહેવાની વિદ્યાર્થીઓને  શીખ આપી સરકારના રોજગારી અને વિદ્યાર્થી ઉન્નતિના કાર્યક્રમો વિશે માહિતગાર કર્યા હતા.સાંસદ વિનોદભાઇ ચાવડાએ તેમના વ્યકિતગત જીવનનું ઉદાહરણ આપી કારકિર્દી વિકસાવવા અને શોષિત માનસિકતામાંથી બહાર નીકળી કચ્છમાં રહેલી અઢળક તકોનો લાભ લેવા જણાવ્યું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ સંઘર્ષ અવિરત હોવાનું જણાવી સંઘર્ષનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું હતું. નગરપાલિકાના પ્રમુખ?લતાબેન સોલંકીએ આવા કાર્યક્રમોનું વિદ્યાર્થીઓ માટે મહત્ત્વ અનેરું હોવાનું કહ્યું હતું. કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાએ આવા રોજગાર મેળાઓ વિદ્યાર્થીઓની જૂની પેઢી માટે સ્વપ્ન સમાન અને હાલની પેઢી માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું. આભારવિધિ નોડલ ઓફિસર અને લાલન કોલેજના આચાર્ય ડો. સી.એસ. ઝાલાએ કરી હતી. સંચાલન પ્રા. મનોજ છાયા અને પ્રા. ચૈતાલી ઠક્કરે સાંભળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer