નાની રાયણ નદી પટ્ટમાં મૈત્રક કાળની છ ભઠ્ઠી મળી

નાની રાયણ નદી પટ્ટમાં મૈત્રક કાળની છ ભઠ્ઠી મળી
જીવરાજ ગઢવી દ્વારા- કોડાય (તા. માંડવી) તા. 13 : વડોદરા એમ.એસ. યુનિ.ના 18 જેટલા આર્કિયોલોજીના વિદ્યાર્થીઓએ મહિનો દિવસ ખોદકામ સહિતનું સંશોધન આદરી મૈત્રક કાળ સુધીના અવશેષો મેળવ્યા હતા. પુરાતત્વીય રીતે બહુ મહત્ત્વપૂર્ણ આ સંશોધનમાં ઠીકરા, શંખ, હાડકા, કોડીઓ, ઈંટો કાચ મકાનની દીવાલો સહિત મળી આવી હતી. અંદાજે 2000 વર્ષ પૂર્વેની આ વસ્તુઓ વધુ સંશોધન માટે વડોદરા યુનિ. લઈ જવાશે. સંશોધનના છેલ્લા તબક્કામાં છ ભઠ્ઠીઓ તેમજ પાણીના વિશાળ ટાંકાની દીવાલો પણ મળી આવી છે જે વધુ રહસ્ય બહાર કાઢી શકે તેમ છે. આ સંશોધન નાની રાયણના નદી પટ્ટમાં મૈત્રક કાળથી સોલંકી કાળ સુધી જઈ શકશે જે આગામી વર્ષે પુન: ડો. પ્રતાપચંદ્ર તેમજ પ્રો. અજિતપ્રસાદની ટીમ દ્વારા સંશોધન હાથ ધરવામાં આવશે. આ સંદર્ભે પુરાતન સંશોધનવિદના જણાવ્યાનુસાર  હાલના સંશોધનમાં ત્રણ બાજુની દીવાલો મળી આવી છે. લોખંડના ચાકુ પણ મળી આવતાં આ બન્ને વિષયે વધુ સંશોધન હાથ ધરી તેની સાચી સ્થિતિ જાણવામાં આવશે. એક આઈમાંથી ભઠ્ઠી અથવા નિભાળાના અવશેષો પણ મળી આવતા આગામી વર્ષે સંશોધન ક્ષેત્રકાળ પણ ઉજાગર થાય તેવી પૂર્ણ?સંભાવનાઓ છે.  આગામી વર્ષે અન્ય જગ્યાએ સંશોધન કરાશે જે હાલના સંશોધનમાં મળેલ પુરાતત્વીય વસ્તુઓને અનુલક્ષી વધુ રોચક બનશે તેમ જણાવતાં ડો. પ્રતાપચંદ્રએ આ સંશોધનમાં વિવિધ રાજ્યના સંશોધનકર્તાઓ જોડાયા હતા તેમ જણાવ્યું હતું. આ સંશોધન દરમ્યાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નાની રાયણ નદી પટ્ટમાં 2 હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી રહ્યા છે ત્યારે અહીં ધોળાવીરા જેવી જ હેરિટેજ સાઈટ બની શકે છે અને આ સંદર્ભે સરકારે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ તેવું સ્થાનિકોમાંથી મત વહેતો થયું છે. નાની રાયણ ગ્રામજનો અને આગેવાનો આ કાર્યમાં સહયોગી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer