ધોરડોમાં અર્બન કચ્છ ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટરનું ઉદ્ઘાટન

ધોરડોમાં અર્બન કચ્છ ટૂરિસ્ટ રિસેપ્શન સેન્ટરનું ઉદ્ઘાટન
ભુજ, તા. 13 : કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ધોરડો ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રવાસન મંત્રીઓની પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અર્બન કચ્છ ટૂરિસ્ટ રિસેપ્શન અને રીફ્રેશમેન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરી આર્ટ વિલેજની મુલાકાત લીધી હતી અને આર્ટ વિલેજના પ્રદર્શનને નિહાળ્યું  હતું. આ ટૂરિસ્ટ રીફ્રેશમેન્ટ સેન્ટરમાં કચ્છી હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, વેચાણ તથા આ સ્થળે આવતા પ્રવાસીઓ માટે રીફ્રેશમેન્ટ સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બાળકોના મનોરંજન માટે અલગથી ચિલ્ડ્રનપાર્ક  પણ બનાવવામાં આવેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં 19 દેશોના આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. તેમના દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિ સંગ્રહિત કરીને આ પ્રતિકૃતિઓનું પ્રદર્શન આ આર્ટ વિલેજમાં યોજવામાં આવેલું છે. જેમાં યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, જર્મની, જાપાન, ચાઇના,  બ્રાઝિલ અને અન્ય દેશોના કલાપ્રેમીઓ સામેલ છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, કેન્દ્રીય પ્રવાસન રાજ્યમંત્રી  પ્રહલાદાસિંહ પટેલ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, પ્રવાસન વિભાગના સેક્રેટરી મમતા વર્મા, મેનાજિંગ ડિરેક્ટર જૈનુ દેવન, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા  હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer