બુલેટ ટ્રેન પ્રચારાર્થે યોજાયેલી સ્લોગન હરીફાઈમાં ગાંધીધામના માજી કર્મી પ્રથમ

બુલેટ ટ્રેન પ્રચારાર્થે યોજાયેલી સ્લોગન હરીફાઈમાં ગાંધીધામના માજી કર્મી પ્રથમ
ગાંધીધામ, તા. 13 : કેન્દ્રની એન.ડી.એ. સરકારના મહત્ત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રકલ્પની જાહેરાત માટે ગાંધીધામ ડિવિઝનમાં ફરજ બજાવી ગયેલા કર્મચારીએ આપેલા સૂત્રને સર્વપ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સૂત્રને હવે બુલેટ ટ્રેન યોજનાની જાહેરાત માટે  ઉપયોગમાં લેવામાં આવશે.રેલવે મંત્રાલય દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 350થી વધુ કર્મચારીએ  વિવિધ સૂત્રો તૈયાર કરીને મોકલ્યા હતા.  મુંબઈ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા અને તે પહેલાં ગાંધીધામ ખાતે મુખ્ય ગાડી નિયંત્રક તરીકે ફરજ બજાવી ચૂકેલા શેખર અથનીકરે સૂત્ર બનાવ્યું હતું. તેમણે આપેલા સૂત્ર `હાઈસ્પીડ  બુલેટ  ટ્રેન કા સપના, હો ગતિશીલ ભારત ઔર સ્વચ્છ પર્યાવરણ અપના'ને તમામ 350 સૂત્રમાંથી પ્રથમ ક્રમ એનાયત કરાયો હતો. તેમને મુંબઈ ખાતે યોજાયેલા સમારોહમાં રેલવે બોર્ડ ચેરમેન વિનોદકુમાર યાદવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ટ્રેન જમીનથી ઉપર ચાલશે, તેથી વાતાવરણમાં ધૂળ નહીં ઊડે તેમજ સંપૂર્ણ સંચાલન ઈલેકટ્રીકથી થશે જેથી  વાતાવરણમાં કાર્બન પણ નહીં ફેલાય. રેલવે મંત્રાલય દ્વારા આ પ્રોજેકટને પર્યાવરણ જાળવણી સાથે જોડતું સૂત્ર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer