કાઠડા-માંડવી વચ્ચે એરસ્ટ્રીપ સાફ કરવા દોડાદોડી

કાઠડા-માંડવી વચ્ચે એરસ્ટ્રીપ સાફ કરવા દોડાદોડી
કાઠડા (તા. માંડવી), તા. 13 : કાઠડા-માંડવી વચ્ચે આવેલી એરસ્ટ્રીપ પર સફાઇ ન હોતાં અને મુખ્યમંત્રી હવાઇ માર્ગે આવી અહીં ઉતરવાના હોવાથી સફાઇ માટે તંત્રને છેલ્લી ઘડીએ દોટ કાઢવી પડી હતી. માંડવી તથા આજુબાજુ વિસ્તારમાં એક જ એરસ્ટ્રીપ જે કાઠડા અને માંડવી વચ્ચે આવેલી છે. જ્યાં ફિલ્મ શૂટિંગ પૂર્ણ થયે દોઢ-બે માસ જેટલો સમય થયો પરંતુ શૂટિંગ દરમ્યાન ઉપયોગમાં લેવાયેલા મલબો, પ્લેન વિ. ન હટાવાતાં એ અંગે થોડાક દિવસો પૂર્વે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયો અને તંત્રનું પણ ધ્યાન દોરાયું છતાં જે તે સમયે એ બાબત ધ્યાન ન દેતાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અને આજે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી માંડવીના દરિયાકાંઠે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવા પહોંચવાના હતા તે સમયથી ત્રણ-ચાર કલાક પહેલાં જ તંત્રએ ટ્રેકટર, લોડર જેવા સાધનોની મદદથી આ એરસ્ટ્રીપ સાફ કરવા રીતસરની દોડ કાઢી હતી. આ અંગે જાણકારો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્ય મંત્રીનું હેલિકોપ્ટર આ એરસ્ટ્રીપ પર ઉતરવાનું હતું પરંતુ આ એરસ્ટ્રીપ ખાલી ન હોતાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવીને ત્યાંથી રોડ માર્ગે ભીડવાળા વિસ્તાર સ્વામિનારાયણ માર્ગથી હેડપોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઇ દરિયા કાંઠે પહોંચ્યા હતા. પરંતુ જો કાઠડા પાસેની એરસ્ટ્રીપ ખાલી હોત તો દરિયાકાંઠે જવા ખુલ્લો માર્ગ પણ મળ્યો હોત, બીજી તરફ આ વિસ્તારના સ્થાનિકોએ એવું પણ જણાવ્યું કે, જો મુખ્યમંત્રી આવ્યા હોત તો અહીંથી માંડવી જવા માટે ત્રણ કિ.મી. જેટલો રસ્તો જે સાવ ખખડધજ હાલતમાં છે તે પણ મરંમત થઇ ગયો હોત પરંતુ આ રસ્તાના અને અહીંના લોકોના નસીબ નબળા હશે તેવું લાગી રહ્યું છે તેવી ટકોર કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer