મસ્કામાં જનજાગૃતિ શિબિર યોજાયો

માંડવી, તા. 13 :તાલુકાના મસ્કા ગામે એસ. વી. કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા સાત દિવસીય જનજાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું. ઉદ્ઘાટન મસ્કા સરપંચ કીર્તિભાઇ ગોર, ગામના મહિલા અગ્રણી શિલ્પાબેન નાથાણી, શાળાના આચાર્ય મયૂરભાઇ રાવલ, પ્રા. શાળાના આચાર્ય ભરતભાઇ મહેતા, કોલેજના આચાર્ય-એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર રામભાઇ ગઢવી, દામજીભાઇ મહેશ્વરી દ્વારા દીપપ્રાગટય કરાયું હતું. કોલેજના આચાર્ય ડો. મહેશકુમાર બારડે શિબિરની મહત્ત્વતા સમજાવી શિબિરના વિદ્યાર્થીઓને એન.એસ.એસ.નો ઇતિહાસ જણાવી આવા કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રી ગઢવીએ શિબિરમાં કઇ-કઇ પ્રવૃત્તિઓ કરવાના છીએ તેની ચર્ચા કરી હતી. દેશનો વિકાસ કરવો હશે તો આપણા ગામથી જ શરૂઆત કરવી પડશે તેવું સૂચન વિદ્યાર્થીઓ અને ગામના લોકો સમક્ષ આચાર્યે કર્યું હતું. સંચાલન હેમલબેન હેડાઉ અને આભારવિધિ એન.એસ.એસ.ના વિદ્યાર્થી ગોપાલભાઇ મીંઢાણીએ કરી હતી.