ભુજના ચકચારી આત્મહત્યા કેસમાં પતિ સહિત તમામ આરોપી નિર્દોષ ઠર્યા

ભુજ, તા. 13 : આ શહેરમાં જયેષ્ઠાનગર વિસ્તારમાં મે-2017માં બનેલા નયનાબેન પ્રકાશ ભાનુશાલી નામની પરિણીત યુવતીના આત્મહત્યાના ભારે ચકચારી બનેલા કેસમાં અદાલતે મૃતકના પતિ સહિતના સાસરિયા પક્ષના તમામ આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. અત્રેના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલ સમક્ષ ભાનુશાલી સમાજના આ ચકચારી કેસની સુનાવણી થઇ હતી. ન્યાયાધીશે 14 સાક્ષી ઉપરાંત દસ્તાવેજી પુરાવા તપાસવા સાથે બન્ને પક્ષની દલીલો સાંભળી ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાનું તારણ આપી આ ચુકાદો આપ્યો હતો. નિર્દોષ છૂટેલા ચાર આરોપીમાં પ્રકાશ મોહનલાલ ભાનુશાલી, પ્રવીણ ઉર્ફે પ્રભુ મોહન ભાનુશાલી, મોહનલાલ રામજી ભાનુશાલી અને કાન્તાબેન મોહનલાલ ભાનુશાલીનો સમાવેશ થાય છે. આ કેસની પૂર્વ વિગતો એવી છે કે લગ્નના એકાદ વર્ષ બાદ પતિ સહિતના સાસરિયાના ત્રાસના કારણે નયનાબેને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ તેના પિતા ભીમજી હરજી ભાનુશાલી દ્વારા ભુજ બી- ડિવિઝન પોલીસમાં લખાવાઇ હતી. દુપ્રેરણનો આ કેસ જિલ્લા અદાલત સમક્ષ ચાલી જતાં ચારેય આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી હેમાસિંહ સી. ચૌધરી સાથે ઐશ્વર્યા એચ. ચૌધરી, દીપક ઉકાણી, ગણેશદાન ગઢવી, કુલદીપ મહેતા, દેવરાજ ગઢવી, શરદ ભાનુશાલી અને હેતલ દવે હાજર રહ્યા હતા.- એટ્રોસીટી કેસમાં છુટકારો : ખેતીની માલિકીની જમીન પચાવી પાડવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથેના એટ્રોસીટી ધારા સહિતની કલમોના પદ્ધર પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં આરોપીઓ શરીફાબાઇ હુશેન જુરિયા, જેનાબાઇ જુશબ જુરિયા, હુશેન ભૂરાભાઇ જુરિયા અને જુશબ ભૂરાભાઇ જુરિયાને નિર્દોષ મુકત કરાયા હતા. ભુજના ખાસ ન્યાયાધીશ એલ.જી. ચૂડાસમાએ આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે ચિરાગકુમાર એન. ઠાકર સાથે પરેશભાઇ સોલંકી રહ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer