પક્ષોએ દાગી નેતાઓની વિગત જાહેર કરવી પડશે

નવી દિલ્હી, તા. 13 : રાજકારણને અપરાધીઓની ચુંગાલમાંથી મુક્ત કરવાની દિશામાં એક મહત્ત્વનો આદેશ આપતાં દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે તમામ રાજકીય પક્ષોને ચૂંટણીના મેદાનમાં ઊતરનારા ઉમેદવારોનો ગુનાખોરીનો ઈતિહાસ જનતાની સામે મૂકવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ઉમેદવારોના અપરાધોની વિગતો વેબસાઈટ પર અપલોડ કરવાના પણ આદેશ સાથે જણાવ્યું હતું કે, આદેશનું પાલન નહીં કરાય તો અદાલતની અવહેલનાની કાર્યવાહી કરવામાં આવશે.ભાજપ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયે કરેલી અરજી પર સુનાવણી કરતાં અદાલતે રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ઉમેદવારોના અપરાધોના કેસોની માહિતી અખબારો, વેબસાઈટો અને સોશિયલ સાઈટો પર પ્રકાશિત કરવાની રહેશે. સાથોસાથ પક્ષોની એવી તે કઈ મજબૂરી છે કે, આવા અપરાધી ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે, તેવો સવાલ પણ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. રાજકીય પક્ષોએ આવા ઉમેદવારો પસંદ કરવાના 72 કલાકમાં જ ચૂંટણીપંચને અહેવાલ આપવો પડશે તેવી કડક તાકીદ સર્વોચ્ચ અદાલતે કરી હતી. એટલું જ નહીં, પરંતુ રાજકીય પક્ષો કોર્ટની આ વ્યવસ્થાનું પાલન કરવામાં નિષ્ફળ રહેશે તો ચૂંટણીપંચે અદાલતનાં ધ્યાનમાં લાવવાનું રહેશે, તેવું પણ સુપ્રીમે જણાવ્યું હતું. અશ્વિની ઉપાધ્યાયે દાગી નેતાઓને ટિકિટ આપવા વિરુદ્ધ અરજી કરતાં કહ્યું હતું કે, રાજકારણમાંથી અપરાધીઓને  હટાવવા માટે છેલ્લા છ મહિનામાં સરકાર કે ચૂંટણીપંચે કોઈ પ્રયાસ કર્યા નથી. દરમ્યાન કોંગ્રેસે આ મુદે સરકાર પર નિશાન તાકતાં આક્ષેપ કર્યો હતો કે, ખાણખનન કેસના આરોપીને ભાજપે મંત્રી બનાવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ આ આદેશ તોડયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer