ભાજપમાં મંથન, કૉંગ્રેસમાં ખંડન

દીવાને ખાસ - કુન્દન વ્યાસ-
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી ભાજપમાં મનોમંથન અને આત્મ પરીક્ષણની તૈયારી ચાલે છે ત્યારે કૉંગ્રેસમાં પરાજય બદલ શીલા દીક્ષિત - જેમણે મુખ્ય પ્રધાન તરીકે પંદર વર્ષ સુધી દિલ્હીના વિકાસ અને કૉંગ્રેસના ઉદ્ધાર માટે કામ કર્યું એમના - ઉપર દોષનો ટોપલો ઢોળવાની શરૂઆત થઈ છે - દિલ્હીમાં યાદવાસ્થળી જાહેરમાં થાય છે!વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકાર પ્રૅસિડેન્ટ ટ્રમ્પના સ્વાગતની તૈયારીમાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ફીર એક બાર ટ્રમ્પ સરકારનું સૂત્ર ગજાવ્યું હતું. હવે ટ્રમ્પ ગુજરાત-ભારતથી અમેરિકામાં વસેલા ગુજરાતીઓ - ભારતીયોને સંદેશ આપશે. દિલ્હીમાં પરાજયના શોક કરતા કૉંગ્રેસને ખુશી ભાજપના પરાજયની છે, પણ ભાજપની નેતાગીરીએ હવે ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને પ્રદેશવાદને અલગ રાખવા પડશે. બાલાકોટ અને હાફિઝ સૈયદની સજા-માં ભારતની સફળતા છે. ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા હાફિઝને સજા જાહેર થઈ તે સૂચક છે અને હવે પાકિસ્તાની આતંકવાદ અંકુશમાં આવશે - અથવા તેનો અંજામ આવશે એવી આશા રાખવી રહી. પ્રાદેશિક ચૂંટણીમાં પ્રદેશવાદ-વિકાસ-જનતાની સુખાકારી મહત્ત્વની છે. આમાં ધર્મવાદ અને સેક્યુલરવાદની વ્યાખ્યા બદલાઈ જાય છે.ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી જનોઈધારી બ્રાહ્મણ બન્યા, પણ તકવાદ છૂપો રહી શકે નહીં. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે સેક્યુલરવાદને છેડયો નહીં, પણ છોડયો. શાહીન બાગ ગયા જ નહીં તેથી સમર્થન-વિરોધમાં તટસ્થ રહ્યા અને છેલ્લા તબક્કામાં હનુમાનજીના મંદિરે ગયા - હનુમાન ચાલીસા સંભળાવી અને `મેં કદી હિંદુઓનો વિરોધ કર્યો નથી' એવી જાહેરાત કરી. પરિણામ આવ્યા પછી કહ્યું - આજે મંગળવાર છે. હનુમાનજીનો વાર છે - આપણને શક્તિ-આશીર્વાદ આપે છે! આમ છતાં મુસ્લિમ મતદારોએ કેજરીવાલને મત આપ્યા, કૉંગ્રેસને નહીં. શા માટે નહીં? તેનો વિચાર કૉંગ્રેસે કરવો જોઈએ. કેજરીવાલનો ધર્મવાદ-હિન્દુત્વ સૌને સ્વીકૃત છે. હિન્દુ રાષ્ટ્રની બૂમરાણ મચાવતા કૉંગ્રેસી અને ડાબેરીઓને હવે દિલ્હીમાં `િહન્દુ-રાજ્ય' દેખાશે? સેક્યુલરવાદની નવી-સાચી વ્યાખ્યા થઈ છે કે હિન્દુવિરોધી નહીં. ભાજપે પણ હવે આવો અર્થ સમજાવવો પડશે. મોદી તો કહે જ છે - મુસ્લિમવિરોધી નીતિ નથી. સબકા વિકાસ-વિશ્વાસ. આ હિન્દુ અને મુસ્લિમ સમાજે પણ સમજવાની જરૂર છે.ભાજપના યુવા નેતાઓએ ચૂંટણીપ્રચારમાં આક્રમક નહીં સંક્રમક ભાષા વાપરવી જોઈએ. ચૂંટણી - લોકશાહીનું અંગ છે - જંગ નહીં. હવે પછીની તમામ ચૂંટણીઓમાં દિલ્હીની ચૂંટણી `મોડેલ' બની રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer