મુલાકાતથી પહેલાં ટ્રમ્પનો ભારતને ઝટકો

નવી દિલ્હી, તા. 13 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 24મી ફેબ્રુઆરીથી શરૂ થતી તેમની ભારતની યાત્રા પહેલાં વ્યાપારીકરણ મુદ્દે સકારાત્મક સંકેત આપ્યા છે, પરંતુ સાચું તો એ છે કે, હાલમાં જ અમેરિકી વહીવટી તંત્રે ભારતને એવો ઝટકો આપ્યો છે કે, જેનાથી આપણી નિકાસ પર ઘણી ગંભીર અસર થશે. વાસ્તવમાં અમેરિકાએ ભારતને કારોબારને અનુલક્ષીને  `વિકાસશીલ દેશો'ની યાદીમાંથી બહાર કરી દીધું છે.અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ (યુએસટીઆર) એ આ સપ્તાહે સોમવારે વિકાસશીલ દેશોની યાદીમાંથી ભારતને બહાર કરી નાખ્યું હતું. એનો અર્થ એ થયો કે, ભારત હવે એ ખાસ દેશોમાં સામેલ નહીં હોય, જેમની નિકાસને  તપાસમાંથી મુકિત મળે છે. આ તપાસમાં એવું  ચકાસવામાં આવતું હોય છે કે, આ દેશો અયોગ્ય સબસિડીવાળી નિકાસથી અમેરિકી ઉદ્યોગોને નુકસાન તો નથી થયું ને. ભારત હવે આવી તપાસની યાદીમાં આવી ગયું છે. અગાઉ તેને રાહત મળતી હતી જે તપાસને કાઉન્ટર વેલીંગ ડયુટી(સીવીડી) કહેવામાં આવે છે. ભારત સાથે જોકે આ યાદીમાંથી બ્રાઝીલ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા અને આર્જેન્ટીનાને પણ બહાર કરી દેવામાં આવ્યા છે. જોકે, અમેરિકી વહીવટીતંત્રનું કહેવું છે કે, આ યાદી 1998માં બની હતી અને હવે તે અપ્રસ્તુત બની ગઇ છે.ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કરી દેવાથી સૌથી મોટું નુકસાન એ છે કે, અમેરિકાની પ્રાધાન્ય આપવાના દેશોની પદ્ધતિમાં ફરીથી સામેલ થવાની આશા પર કુઠારાઘાત છે. જે પદ્ધતિ `જનરલાઇઝડ સિસ્ટમ ઓફ?પ્રેફરેન્સ' તરીકે ઓળખાય છે. અનેક ફાયદાવાળી આ યાદીમાં માત્ર વિકાસશીલ દેશોને રાખવામાં આવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer