લશ્કરની દક્ષિણી કમાન્ડના વડાએ કચ્છની ક્રીક સરહદની મુલાકાત લીધી

ભુજ, તા. 13 : કચ્છની સંવેદનશીલ ક્રીક સરહદની લશ્કરની દક્ષિણી કમાન્ડના વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાત મુલાકાત લેતાં આ વિસ્તારમાં આવનારા દિવસોમાં સલામતીના વધુ અસરકારક પગલાં લેવાનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે. સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ લશ્કરની પૂના સ્થિતિ દક્ષિણી કમાન્ડના વડા લેફ. જનરલ સી.પી. મોહંતી અને કોર્ણાક કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફટનન્ટ અનિલ પુરી, ગોલ્ડન સ્ટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ દિનેશ શ્રીવાસ્તવ સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓએ કોટેશ્વર સ્થિત જેટી પરથી બોટ દ્વારા ક્રીક વિસ્તારની તેમજ રણની મુલાકાત લીધી હતી. લશ્કરના ઉચ્ચ અધિકારીઓની આ મુલાકાત અંગે સત્તાવાર રીતે કોઇ વિગતો જાહેર કરાઇ નથી પણ મળતા સંકેત મુજબ લશ્કર દ્વારા આ વણઅંકાયેલી અને સંવેદનશીલ સરહદ પર સલામતીના મુદ્દે ભૂમિકા વધારવાના આયોજનને આવનારા દિવસોમાં વધુ નક્કર સ્વરૂપ અપાય એવી ગણતરી સામે આવી રહી છે. હેલિકોપ્ટર દ્વારા જિલ્લામથકે પહોંચેલા આ ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક લશ્કરી બ્રિગેડના વરિષ્ઠ કમાન્ડરો પાસેથી કચ્છની ભૌગોલિક અને વ્યૂહાત્મક માહિતી મેળવી હતી.  તેમણે સ્થાનિકની સજ્જતા અંગે પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળી રહ્યંy છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer