દેશની પ્રવાસન સર્કિટ વિકસાવવામાં કચ્છના અનુભવનો લાભ લેવાનું શરૂ

ભુજ, તા. 13 : ધોરડો ખાતે યોજાયેલી ત્રણ દિવસની પ્રવાસન વિભાગની રાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં ભાગ લેવા આવેલા કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહ્લાદસિંહ પટેલે ભુજમાં `કચ્છમિત્ર' સાથે વાતચીત કરતાં વિશ્વાસ દર્શાવ્યો હતો કે બજેટમાં ધોળાવીરાને દેશની ચાર અન્ય આઇકોનિક સાઇટ સાથે વિકસાવવામાં જંગી ફાળવણી થયા બાદ આ હડપ્પીય વસાહત સાથે કચ્છના પ્રવાસનનો નકશો ફરી જશે, ત્યાં સ્થાપાનારું મ્યુઝિયમ વર્લ્ડ કલાસ હશે. કેન્દ્રમાં સ્વતંત્ર પ્રભાર ધરાવતા શ્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી મોદીએ બજેટમાં ધોળાવીરાને વિકસાવવાની જાહેરાત કરી છે એ માટે પ્રવાસન વિભાગે કવાયત આદરી દીધી છે. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે મોટી સફળતા મળી છે. અહીંના અનુભવોને ભારતમાં ઉપયોગમાં લેવામાં આવશે. દરિયાઇ વિસ્તારના સારા બીચ છે ત્યાં ટેન્ટ સિટી ઊભી કરીને એક સમૃદ્ધ પ્રવાસન વિકસાવવાની કામગીરી ભારત સરકાર દ્વારા ચાલી રહી છે. તેમણે કોનાર્કનો દાખલો આપતાં કહ્યું કે, તેમાં પણ મોટી સફળતા મળી છે. આવા તો અનેક સ્થળો છે. પર્યટનની એક મોટી સર્કિટ બનાવી કચ્છને પણ જોડવાનું આયોજન છે.પાંચ હજાર વર્ષ પૂર્વેના હડપ્પીય અવશેષો સાચવીને બેઠેલા ધોળાવીરામાં મ્યુઝિયમ, અન્ય માળખાંકીય સુવિધાઓ વગેરે વિકસાવવામાં આવશે. ધોળાવીરાના ઇતિહાસને જીવંત બનાવવાની વડાપ્રધાનની કલ્પના છે, જે સાકાર થશે. કચ્છમાં બીજા અન્ય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવશે ? એ સવાલ સામે તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર સાથે તાલમેલ કરી કચ્છમાં જો હજુય સારાં સ્થળોને વિકસાવવા પડશે તો એ કરીશું. દેશના પાંચ સરોવર પૈકી કચ્છના નારાયણ સરોવર તરફ ધ્યાન નથી અપાતું, એ પ્રશ્ન સામે તેમણે કહ્યું કે, હા, હજુ આવ્યો જ છું. શું સમસ્યા છે તે જાણીને જરૂર સુધારવાની કોશિશ કરાશે. કચ્છમાં તો કુદરતે આપેલી મોટી તાકાત છે, તેનો પૂરો ઉપયોગ કરવામાં આવશે. મૂળ મધ્યપ્રદેશના આ વરિષ્ઠ સાંસદ અને મંત્રીએ જન્મભૂમિ પત્રો અને કચ્છમિત્ર વિશેની વિગતો જાણી હતી અને જન્મભૂમિ પત્રોના સીઇઓ - મુખ્ય તંત્રી કુન્દનભાઇ વ્યાસ કચ્છમાં છે એ જાણીને તેમને મળવાની ઉત્કંઠા દર્શાવી હતી. સાંજે સફેદ રણ વચ્ચે તેઓ શ્રી વ્યાસને મળ્યા હતા અને દિલ્હીનાં સંભારણાં તાજાં કર્યાં હતાં. કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ અને મેનેજર શૈલેષ કંસારા આ વખતે હાજર હતા.આ મુલાકાત સમયે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer