કિવી સામે ટેસ્ટ શ્રેણીમાં વર્તાશે રાહુલની કમી

નવી દિલ્હી, તા. 13 : ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચેલી ટીમ ઇન્ડિયાએ ટી-20 શ્રેણીમાં 5-0 જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. જો કે વન-ડેમાં 0-3થી હારનો સામનો કરવો પડયો હતો. હવે વિરાટસેનાનો સામનો 21 ફેબ્રુઆરીથી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. ભારત માટે ટેસ્ટ શ્રેણી સરળ રહેવાની નથી. કારણ કે, વન-ડે શ્રેણીમાં જીત બાદ ન્યૂઝીલેન્ડનો આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલા નવા ખેલાડી અને નવા કોમ્બિનેશન સાથે તાલમેલ પણ એક પડકાર બની રહેશે. જો કે આવા પડકારો તમામ પ્રવાસ દરમિયાન હોય છે પણ મુખ્ય વાત એ છે કે, કિવીઝ સામે સફળ રહેલા લોકેશ રાહુલને ટેસ્ટ ટીમમાં સમાવવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન સૌથી વધારે રન રાહુલના બેટથી જ થયા છે. રાહુલે કુલ 428 રન કર્યા છે. જેમાં ત્રણ વન-ડેમાં 204 અને પાંચ ટી-20માં 224 રન સામેલ છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં કંગાળ પ્રદર્શનનાં કારણે રાહુલે ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું, પરંતુ ઝડપથી લય મેળવીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઓપનરે મિડલ ઓર્ડરમાં બેટિંગ સાથે વિકેટ કીપિંગની જવાબદારી  સંભાળવાનો પણ સ્વીકાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે શાનદાર ભૂમિકા ભજવનારા લોકેશ રાહુલે આઈસીસી ટી-20 વિશ્વકપ માટે વિચારી રહ્યો નથી, પણ વિશ્વકપ સુધી પોતાના ફોર્મને જાળવી રાખવાનો પ્રયાસ નિશ્ચિતરૂપે કરશે.વર્તમાન ભારતીય ટેસ્ટ ટીમમાં રોહિત શર્મા અને શિખર ધવનનો અનુભવ પણ સાથે નહીં રહે. તેની જગ્યાએ પૃથ્વી સો, મયંક અગ્રવાલ અને શુભમન ગિલને ઓપનર તરીકે સ્થાન મળ્યું છે. સો અને અગ્રવાલ વન-ડેમાં નિષ્ફળ રહ્યા છે. તેવામાં ટેસ્ટમાં પણ ઓપનિંગ જોડી સફળ ન રહે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતમાં કોહલી પાસે રાહુલને ટીમમાં સામેલ કરવાની માંગ કરવાનો અધિકાર છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer