પ્રદેશ અવગત છતાં ભુજ એ.પી.એમ.સી.માં બળવો ?!

ભુજ, તા. 13 : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભુજની વર્તમાન બોડીની દ્વિતીય ટર્મના ચેરમેનની વરણીને લઇને બહાર આવેલું ભારતીય જનતા પાર્ટીનું આંતરિક જૂથવાદ અને હુંસાતુંસીનું પ્રકરણ સંબંધિતોને શો કોઝ નોટિસ આપવા સાથે વધુ વિવાદિત અને ગરમાગરમ બન્યું છે. આ વચ્ચે એક મુદ્દો એ પણ સપાટી ઉપર આવ્યો છે કે, બળવો થવાનો હતો તેનાથી ખુદ પક્ષનું પ્રદેશ માળખું અવગત હતું આમ છતાં બળવો થયો તે બાબત પક્ષના આંતરિક ગજગ્રાહ વિશે ઘણું-ઘણું સૂચવી જાય છે. નવ વિરુદ્ધ સાત મતે ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ પુન: એ.પી.એમ.સી. ભુજના ચેરમેનપદે ચૂંટાયા બાદ તેમની સામે મતદાન કર્યું હોવા બાબતે જેમને જવાબદાર બતાવાયા છે તેવા પક્ષના ડાયરેકટરોને પક્ષ તરફથી શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેને લઇને આ પ્રકરણને લઇને જામેલો રાજકીય રંગ વધુ ઘેરો બન્યો છે, તો ઉભયપક્ષો તેમની સોગઠીઓ ગોઠવવા સાથે હરીફને પાડી નાખવાની પ્રવૃત્તિમાં વધુ પ્રવૃત્ત બન્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ચર્ચાસ્પદ પ્રકરણ બાબતે પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોમાં થઇ રહેલા ગણગણાટ મુજબ મતદાનની પ્રક્રિયા ગુપ્ત રીતે હાથ ધરાઇ હતી, તો કોણે કોને મત આપ્યો તે કેમ જાણી શકાય અને કેમ શો કોઝ નોટિસ આપી શકાય  એ સવાલ ઊભો થયો છે. જ્યારે જેમને શો કોઝ નોટિસ અપાઇ છે તેવા ડાયરેકટરોને સંલગ્ન સૂત્રોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, એ.પી.એમ.સી. દ્વિતીય ટર્મના ચેરમેન માટે સેન્સ લેવાની બેઠક બોલાવાઇ ત્યારે પણ વિરોધ કરાયો હતો. આમ છતાં પ્રદેશ સ્તરે ભળતો જ કહી શકાય તેવો અહેવાલ આપી દેવા સાથે આ નિમણૂક બાબતે કચ્છના રાજ્યમંત્રી અને વિભાગના ધારાસભ્ય સાથે પણ સંકલન બેઠક યોજવામાં આવી નથી કે તેમને વિશ્વાસમાં લેવાયા નથી.આ સ્થિતિમાં ચૂંટણી અને મતદાન પૂર્વે જ કેટલાક જવાબદાર ડાયરેકટરોએ પક્ષના પ્રદેશમંત્રી કે.સી. પટેલ અને અન્યોનું વ્યકિતગત કે સામૂહિક રીતે ધ્યાન દોર્યું હતું, પણ આ બાબતે કોઇ જ કાર્યવાહી ન થતાં અંતે કહેવાતા બળવાની નોબત વાગી હતી. આ વર્તુળોએ અણિયાળો સવાલ ઊભો કરતાં ઉમેર્યું હતું કે, પ્રદેશ માળખું જ્યાં પરિસ્થિતિથી અવગત હતું ત્યાં બળવાને બળવો  કહી શકાય ખરો ? એ.પી.એમ.સી. ભુજના આ ભારે વિવાદિત બનેલા પ્રકરણને વાસ્તવમાં પક્ષના જિલ્લા સ્તરના અગ્રહરોળના નેતાઓની આંતરિક લડાઇ સાથે મૂલવાઇ રહી છે તેવા સમયે હવે કોની-કાની કામ કરે છે. અને કોણ કોની વિકેટ ખેરવી જાય છે તેના સહિતની અનેક ચર્ચાઓ અને અટકળોનો માહોલ પણ અવિરત રહ્યો છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer