ગાંધીધામમાં પોલીસને બાતમીની શંકાથી બે ભાઇઓ પર હુમલો
ગાંધીધામ, તા. 13 :શહેરના ખોડિયારનગર વિસ્તારમાં અમારી બાતમી પોલીસમાં કેમ આપો છો તેમ કહી ત્રણ ઇસમે બે ભાઇઓ ઉપર ધારિયાં, કુહાડી, લાકડી વડે હુમલો કર્યો હતો. ખોડિયારનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મહેબૂબ શેરમામદ રાયમાએ મારામારીના આ બનાવ અંગે પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી, તેના પિતા, તેનો ભાઇ ઘરે હાજર હતા ત્યારે તૈયબ ઓસમાણ રાયમાએ કેમ પકડાવો છો તેમ કહી પોતાના ઘર બાજુ બોલાવ્યા હતા. આ ફરિયાદી, તેના પિતા શેરમામદ તથા ભાઇ આમીન ત્યાં ગયા હતા. દરમ્યાન, ત્યાં હાજર તૈયબ રાયમા, જુસબ ઓસમાણ રાયમા અને સલીમ ઓસમાણ રાયમા નામના શખ્સોએ ધારિયાં, કુહાડી, લાકડી વડે હુમલો કરતાં ફરિયાદી તથા તેના ભાઇને ઇજાઓ પહોંચી હતી. આ બંનેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ત્રણેય ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ગતરાત્રે તૈયબ રાયમાનો રૂા. 88,800નો દારૂ પકડી પાડયો હતો, પરંતુ આ ઇસમને ખબર કેવી રીતે પડી કે દારૂની બાતમી કોણે આપી હતી વગેરે પ્રશ્નો બહાર આવ્યા હતા.