ડીપીટીનો નાણાવિભાગ ફરી બન્યો આડખીલી : બબ્બે ટ્રસ્ટીઓની તડાપીટ

ગાંધીધામ, તા. 13 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનિક કાર્યાલયમાં આજે સવારે એફ.એ. એન્ડ સી.એ. ઓ.ની કચેરીમાંથી રાડારાડી અને ઉગ્ર ગાળાગાળીના અવાજ આવતાં કચેરીના અધિકારી, કર્મચારીઓમાં ચકચાર પ્રસરી હતી. જી.પી.એૐ.ના મુદે્ નાણાં વિભાગના જક્કી વલણના મુદે્ બે લેબર ટ્રસ્ટીઓએ આક્રમક તેવર અપનાવીને રજૂઆત કરતાં સંકુલમાં સોપો પડી ગયો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે હજુ નવેમ્બર મહિનામાં જ અધ્યક્ષના આદેશ છતાં નાણાં વિભાગે માનવતા નેવે મૂકીને 60થી 80 વર્ષના વૃદ્ધ પેન્શનરોને હયાતીની ખરાઇ અર્થે ધરાર પ્રથમ માળ સુધી ચડાવ્યા હતા. તે પછી વરિષ્ઠ લેબર ટ્રસ્ટીને હયાતીનું ફોર્મ આપવાની ના પાડી દીધી હતી. આમ આ નાણાં વિભાગ હવે ફરી આડખીલી રૂપ બનતાં બન્ને લેબર ટ્રસ્ટીઓએ એફ.એ.ની ચેમ્બરમાં જઇને ઉગ્ર રજૂઆત કરી હતી. એક તબક્કે તો એક લેબર ટ્રસ્ટીએ જોરથી ટેબલ પછાડતાં સમગ્ર ભવનમાં ભય પ્રસર્યો હતો. આમ કરવા જતાં આ ટ્રસ્ટીના હાથમાં ઇજા પણ પહોંચી હતી. ડીપીટીનો નાણાં વિભાગ છેલ્લા લાંબા સમયથી બિનજરૂરી રીતે કામદારોને પરેશાન કરતો હોવાની લાગણી વ્યાપક બની છે. સામાન્ય કર્મચારી ભવિષ્યનિધિ (જી.પી.એફ.)માં  જમા કામદારોના નાણાં એડવાન્સ તરીકે ઉપાડવા જતાં બિનજરૂરી રીતે આધારો મંગાતાં આ મામલો ખડો થયો હતો. ડીપીટીના લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી તથા એલ. સત્યનારાયણના જણાવ્યા પ્રમાણે જીપીએફમાંથી જો એડવાન્સ નાણાં ઉપાડ કરવો હોય તો તેમાં કોઇ પુરાવાની જરૂર નથી, પરંતુ જો આ નાણાં ઉપાડ વીથડ્રોવલ હોય તો તેમાં પુરાવાની જરૂર રહે છે. અને એ પણ જે તે વિભાગીય વડાએ ચકાસવાના છે. નાણાં વિભાગની તેમાં માત્ર નાણાં મુક્ત કરવાની જ ફરજ છે. આમ છતાં કામદારોને તાકીદના સમયમાં પણ પોતાના જ નાણાં મળતાં નથી.આ મુદે્ આજે બંને ટ્રસ્ટીઓએ એફ.એ. સમક્ષ રોષપૂર્વક રજૂઆત કરી હતી. જોકે આજે આ પ્રશ્ન ઉકેલાય નહીં તો બંદર ઉપર હડતાળની ચીમકી પણ અપાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer