ભુજમાં ગટરલાઇન બેસવાનો આગળ ધપતો સિલસિલો

ભુજ, તા. 13 : શહેરમાં એક બાદ એક વિસ્તારમાં ગટરલાઇન વારાફરતી બેસી રહી છે, ત્યારે આ સિલસિલો આગળ ધપતો હોય તેમ આજે ભાજપ કાર્યાલય પાસેથી લોહાણા મહાજનવાડી નજીક લાઇન બેસતાં વિસ્તારમાં દુર્ગંધથી લોકો ત્રાહીમામદ પોકારી ઊઠયા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં ગટર સમસ્યા ઉકેલવામાં સુધરાઇ નિષ્ફળ?ગઇ હોય તેમ અલગ અલગ ગટરલાઇનો બેસી રહી છે. જો કે, આ લાઇનો જૂની હોવાનું સુધરાઇના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે. થોડા સમય પહેલાં હોસ્પિટલ રોડ પર શિક્ષણમંત્રીના કાર્યક્રમ દરમ્યાન સ્ટેજ સુધી ગટરનાં પાણી પહોંચ્યાં હતાં. ત્યારબાદ હોસ્પિટલ રોડ પર મોટાપાયે લાઇનો ખોદાઇ, મરંમત કરાયું પણ થોડા દિવસો બાદ ફરી ગટર ઊભરાઇ. ત્યારબાદ વારો આવ્યો મંગલમ ચાર રસ્તા, ઉમેદનગર વિસ્તારનો, એ પ્રશ્ન હલ થાય ત્યાં આજે ભાજપ કાર્યાલય પાસે લોહાણા સમાજવાડી પાસે ગટરલાઇન બેસતાં દૂષિત પાણીની દુર્ગંધ ફરી વળી. શહેરનો કોઇ વિસ્તાર ગટર સમસ્યાથી બાકાત નથી રહ્યો, ત્યારે  જ્યાં સુધી કરોડોના ખર્ચે મોટો કોઇ પ્રોજેક્ટ સુધરાઇ નહીં લાવે ત્યાં સુધી આ સમસ્યા લોકોના નાકે દમ લાવી દેશે તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer