ભુજમાં ગ્રાહક બની આવેલા બે અજ્ઞાત શખ્સ વેપારીની નજર ચૂકવી 2.25 લાખના સોનાના દાગીના ચોરી ગયા

ભુજ, તા. 13 : શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં કંસારા બજાર ખાતે નાની પોશાળવાળી શેરીમાં ડિપેન જ્વેલર્સ નામની દુકાનમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે અજ્ઞાત હિન્દીભાષી વેપારીની નજર ચૂકવી રૂા. 2.25 લાખની કિંમતની સોનાની બૂટીની 24 જોડી ચોરી ગયા હતા. આ કૃત્યને અંજામ આપનારા બન્ને આરોપી અન્ય એક સોનીની દુકાને લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં જોવા મળતાં તેમના ફોટા સહિતની વિગતો પોલીસને અપાતાં જોરશોરથી તપાસ આરંભાઇ છે. આ બાબતે દુકાનના માલિક પરિવારના ડિપેન ઝવેરીલાલભાઇ બુદ્ધભટ્ટીએ અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકમાં આજે ગઇકાલે સવારે બનેલી ચોરીની આ ઘટના વિશે વિધિવત ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જણાવાયા મુજબ ગઇકાલે સવારે દુકાન ખોલ્યા બાદ ડિપેનભાઇ સાફસફાઇ પછી નજીકમાં આવેલા વર્કશોપ ખાતે ગયા હતા. દુકાને તેમના પિતા ઝવેરીલાલભાઇ એકલા હતા ત્યારે બે શખ્સ ગ્રાહક બનીને આવ્યા હતા. તેમણે ચાંદીની ડોડી અને સોનાના ઓમકાર પેન્ડલની ખરીદી કરી હતી. આ પછી તેમણે બૂટીની માગણી કરી હતી. વેપારીએ બૂટીનો ડબ્બો કાઢી બતાવ્યા પછી એક બૂટી પસંદ કરી તેનું વજન કરવાનું બન્ને આગંતુકોએ જણાવ્યું હતું. વેપારી બૂટીનું વજન કરવામાં પ્રવૃત્ત હતા તે દરમ્યાન બન્ને જણ 60થી 65 ગ્રામ વજનની બૂટીની રૂા. 2.25 લાખની 24 જોડી ઉઠાવી ગયા હતા. ચોરીના બનાવ બાબતે વેપારી દ્વારા સોની વેપારીઓના મોબાઇલ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરતાં અરુણભાઇ નામના સોની વેપારીએ એવી માહિતી આપી હતી કે, બે અજાણ્યા શંકાસ્પદ શખ્સ તેમની દુકાને પણ ખરીદી કરવા આવ્યા હતા, પણ કાંઇ ખરીદ્યા વગર ચાલ્યા ગયા હતા. આ દુકાનમાં લાગેલા સી.સી. ટી.વી.માં બન્ને શખ્સ કેદ થયેલા જોવા મળતાં તે ક્લિપિંગ મેળવીને વેપારીએ ફરિયાદ સાથે પોલીસને સુપરત કર્યાં હતાં જેને કેન્દ્રમાં રાખીને તપાસ કરાઇ રહી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer