ગાંધીધામની પેટા તિજોરી કચેરીમાં સ્ટ્રોંગ રૂમની સુવિધા ઊભી કરવા તંત્રને તાકીદ

ગાંધીધામ, તા 13 : અહીંની પેટા તિજોરી કચેરી અન્યત્ર ખસેડાતાં સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા ન હોવાના બહાને  સ્ટેમ્પ પેપર, કોર્ટ ફી આપવાની બંધ કરાયેલી વ્યવસ્થા ફરી ગાંધીધામમાં શરૂ કરવા સ્ટેમ્પ કચેરીના અધિક્ષક દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગાંધીધામ જ્યારે તાલુકો પણ  ન હતો ત્યારથી પેટા તિજોરી કચેરી ગાંધીધામ પોલીસ સ્ટેશનની ઉપર કાર્યરત હતી. આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી પેટા તિજોરી કચેરી હાઈવે ઉપર આવેલી રાજ્ય વેંચાણવેરા કચેરી ખાતે ખસેડવામાં આવી હતી.  આ કચેરી અહીં ખસેડતાંની સાથે જ સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા ન હોવાનું કહી સ્ટેમ્પ પેપર, કોર્ટ સ્ટેમ્પ ફી ટિકિટ મેળવવા માટે વ્યવસ્થા અંજાર રાખવામાં આવી છે. ગાંધીધામમાં નોટરીઓ અને વકીલોને  ભારે હાલાકી ભોગવવી પડે છે.આ મામલે ગાંધીધામના ધારાશાત્રી વિદ્યાધર ચંદનાનીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી આ સમસ્યાના કારણે  શહેરીજનોને પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી. અહીંથી સ્ટેમ્પ પેપર આપવાનું બંધ કરાતાં સ્ટેમ્પ વેન્ડરોએ કામગીરી ઓછી કરી હતી અને જથ્થાના ઉપાડ કરવા માટે અંજારના બે બે ધક્કા ખાવા પડતા હતા. આ રજૂઆત સંદર્ભે રાજ્યના સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડેન્ટે ગત તા. 6 ફેબ્રુઆરીના  કચ્છના જિલ્લા કલેકટર અને જિલ્લા તિજોરી અધિકારીને પત્ર પાઠવી જાહેર જનતાને તકલીફ ન પડે તે માટે સત્વરે નિયમ અનુસાર ગાંધીધામની પેટા તિજોરી કચેરીમાં નોટરિયલ સ્ટેમ્પ,  કોર્ટ ફી સ્ટેમ્પ અને કોર્ટ ફી ટિકિટ પહેલાંની જેમ સરળતાથી  ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે. આ રજૂઆત અંગે યોગ્ય કાર્યવાહી કરાતાં આનંદની લાગણી પ્રસરી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer