આંગડિયા પેઢીના રાપરથી ભુજ માટે થયેલા હવાલામાં 8.35 લાખની ઠગાઇ

ભુજ, તા. 13 : આંગડિયા પેઢી મારફતે કરાયેલો રૂા. 8.35 લાખની રકમનો હવાલો મુખ્ય કચેરીએ જમા ન કરાવીને વિશ્વાસઘાત કરાયો હોવાનો મામલો પોલીસ ફરિયાદના સ્વરૂપમાં ચોપડે ચડયો છે. ભુજમાં ગણેશનગર વિસ્તારમાં રબારીવાસ ખાતે રહેતા વેરશી મંગલ રબારીએ આ મામલામાં મૂળ માખેલ ગામના અને હાલે રાપર રહેતા મહેન્દ્ર રાયમલ મઢવી તથા ભરત રાયમલ મઢવી સામે આ ફરિયાદ દાખલ કરાવી હતી. અત્રેના એ. ડિવિઝન પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420 અને 120 મુજબ ગુનો નોંધ્યો હતો. ફોજદાર કે.એમ. અગ્રાવતને તપાસ સોંપવામાં આવી છે. ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એન.આર. એન્ડ કંપની નામની આંગડિયા પેઢીની રાપર ખાતે કાર્યરત શાખામાં અજયભાઇ સોઢા પાસેથી રૂા. 8.35 લાખની રકમ ભુજ ખાતે ઉમરભાઇને આપવા માટે બન્ને આરોપીએ સ્વીકારી હતી. આ રકમનો હવાલો ભુજ કચેરીએથી ફરિયાદીએ ચૂકવી આપ્યો હતો. પણ તહોમતદારોએ આ રકમ આંગડિયા પેઢીની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે જમા ન કરાવી ઉચાપત-વિશ્વાસઘાત તેમણે કર્યાં હતાં.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer