ગાંધીધામની ભાગોળે ટ્રકની તૂટેલી કેબિનમાંથી નીકળી પડયો શરાબ !

ગાંધીધામ, તા. 13 : શહેરના ટ્રાન્સપોર્ટનગર નજીક આવેલા ખોડિયારનગર પાસે ટ્રકની એક તૂટેલી કેબિનમાંથી પોલીસે રૂા. 88,800નો શરાબ જપ્ત કર્યો હતો. પરંતુ સૂત્રધાર પોલીસના હાથમાં આવ્યો ન હતો. શહેરની ખોડિયારનગર ઝૂંપડપટ્ટી પાસે ગત રાત્રે પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીં રહેતા તૈયબ ઓસમાણ રાયમા નામના ઇસમે પોતાના મકાનની સામે ખુલ્લા પ્લોટમાં રહેલી ટ્રકની તૂટેલી કેબિનમાં શરાબ છુપાવ્યો હોવાની બાતમીના આધારે  પોલીસે આ કાર્યવાહી કરી હતી. આ પ્લોટમાં જઇ પોલીસે કેબિનમાંથી મેકડોવેલ્સ નંબર-2 સુપીરીયરની 750 એમ.એલ.ની 144 બોટલ, મેકડોવેલ્સ નંબર-1, લકઝરી રીઝર્વ 750 એમ.એલ.ની 48 બોટલ તથા પાર્ટી સ્પેશિયલ 750 એમ.એલ.ની 48 એમ 240 બોટલ કિંમત રૂા. 88,800નો અંગ્રેજી પ્રકારનો શરાબ હસ્તગત કર્યો હતો. પરંતુ અહીં દારૂ રાખનારો તૈયબ રાયમા પોલીસને અહીં હાજર નહીં મળતાં તે ખાખીના સકંજામાં આવ્યો ન હતો. આ સંકુલના ખોડિયારનગર, ભારતનગર, રેલવે ઝૂંપડપટ્ટી, ટ્રાન્સપોર્ટ નગર, બસ, રેલવે મથકની આસપાસ, કાર્ગો, કિડાણા, અંતરજાળ, આદિપુર નવા બસ મથક નજીક વગેરે જગ્યાએ હજુ પણ દેશી, અંગ્રેજી પ્રકારનો દારૂ આસાનીથી મળી રહેતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉપરથી `કડક' થયેલી પોલીસ હજુ પણ અંદરથી ભીની-ભીની હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer