ભારાપર પાસે ખાનગી કંપનીના અધિકારીઓને મળી ધમકી

ગાંધીધામ, તા. 13 : તાલુકાના ભારાપર નજીક આવેલી એક ખાનગી કંપનીની દીવાલ ન બનાવવા તથા કંપની બંધ કરાવી નાખવા ધમકી આપતા કિડાણાના ત્રણ મહિલા સહિત સાત લોકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ભારાપર નજીક આવેલી સાલ સ્ટીલ કંપનીના એચ.આર. ડાયરેક્ટર અનિલકુમાર સતીષચંદ્ર પંડયાએ પોલીસ ચોપડે આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 15/12/2019ના કિડાણાના સચિન આહીર, કિરણ આહીર તથા અન્ય એક અજાણ્યો શખ્સ એમ ત્રણ લોકો આ કંપની પાસે આવ્યા હતા. કંપનીમાં બાઉન્ડ્રીની દીવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કંપનીમાં આવેલા આ ત્રણેય લોકો કામ બંધ કરવાની ધમકી આપી ગયા હતા. તેમજ તા. 20/12/2019ના શંભુ જગાણીએ ફોન ઉપર દીવાલની કામગીરી બંધ કરવા ધમકી આપી હતી તથા તા. 23/12ના બપોરે 1.30 વાગ્યે કંપનીના જનરલ મેનેજર મનોહર હિન્દુજા પ્લાન્ટ પાછળ દીવાલ માટેનું કામ કરાવી રહ્યા હતા, ત્યારે કિડાણાના ડાહીબેન ઝરૂ તથા અન્ય બે અજાણી મહિલાઓ ત્યાં આવી હતી અને આ જનરલ મેનેજરને મારી નાખવાની ધમકી આપી તથા રસ્તા પરથી નીકળશો તો પતાવી નાખશું તેમ કહી અડચણ ઊભી કરી ત્યાંથી જતી રહી હતી. આરોપીઓ પૈકી અમુક વિરુદ્ધ અગાઉ પણ આ કંપનીના સંચાલકોએ ફરિયાદ કરી હતી જેમાં જામીન ઉપર મુક્ત થયા બાદ આ બનાવને અંજામ અપાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer