ઐતિહાસિક કરિયાવર અને વરઘોડાનું આયોજન

ભુજ, તા. 13 : ચાર દાયકા પહેલાં આરંભ થયેલાં સમસ્ત કચ્છી રાજગોર સમાજના સમૂહ લગ્નની પરંપરામાં પ્રથમ વખત તા. 16-2 રવિવારના મુંદરા બસ સ્ટેન્ડની બાજુમાં ઊભા કરાયેલાં `ભૂદેવ' અને `તુલસીકયારા' નામક શમિયાણામાં મુંદરા તાલુકા રાજગોર સમાજ આયોજિત 39મા સમૂહ લગ્ન સમારોહ અને યજ્ઞોપવીત સંસ્કારવિધિ મહોત્સવ પ્રતિ વર્ષે યોજાતા સમૂહ લગ્નથી હટકે આયોજન સાથે યોજાઇ રહ્યા છે. મુંદરા તા.ક.રા.સ.ના પ્રમુખ કીર્તિભાઇ કેશવાણી, મહામંત્રી મહેશભાઇ ગોર (બેરાજા)એ જણાવ્યું હતું કે, ભુજ અને માંડવી તાલુકા બાદ પ્રથમ વખત સમૂહ લગ્ન કંઠીપટમાં યોજાઇ રહ્યા છે. આ ઉત્સવને ઐતિહાસિક બનાવવા માટે સમગ્ર સમાજની ટીમ અને સમૂહ લગ્ન સમિતિના કન્વીનર નગીનભાઇ ગોર (ભુજપુર), સહ કન્વીનર દિલીપભાઇ ગોરના નેજા હેઠળ તૈયારી કરી દીધી છે. કન્યાઓને વધુમાં વધુ કરિયાવર મળે એ હેતુએ દાતાઓનો સંપર્ક કર્યા પછી એલઇડી ટીવી,ફ્રીઝ, સોના-ચાંદી અને કિચન સેટની લગભગ બાણું આઇટમ જેમાં કબાટ, પલંગ, પાનેતર, ઇમિટેશન સહિત અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે એ કન્યાદાનમાં અર્પણ કરાશે. વર-વધુ પક્ષવાળા તા. 15-2 અર્થાત સમૂહ લગ્નના આગલા દિવસે મુંદરામાં રાજગોર સમાજમાં પ્રથમ વખત યોજાનારા સમૂહ વરઘોડામાં હાજરી આપશે ઉતારાની તથા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.તા. 16-2ના સવારે 8 વાગ્યે અધ્યક્ષ અને દાતા મંજુલાબેન મણિશંકર પેથાણી-ફરાદી કારા જ્વેલર્સ પરિવારના હસ્તે દીપ પ્રાગટય વિધિ બાદ વર કન્યાઓને મંડપ પ્રવેશ, ગણપતિ-દેવી દેવતાઓનું પૂજન, મંડપારોપણ, ગ્રહશાંતિ, યજ્ઞોપવીત સંસ્કાર વિધિ હસ્તમેળાપ, દાતાઓનું સન્માન, સમૂહ પ્રસાદ, લગ્ન રજીસ્ટ્રેશન અને સાંજે 4-30 વાગ્યે વાજતે ગાજતે કન્યાઓને વિદાયમાન કરાશે.આ અવસરે રાજગોર સમાજના કચ્છ અને બૃહદ કચ્છના સમાજના હોદ્દારો, દાતાઓ, અગ્રણીઓ અને જન સમુદાય સાથે માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહજી જાડેજા, દરભાવતી (ડભોઇ)ના ધારાસભ્ય શૈલેશભાઇ મહેતા  સાથે વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. ચાલુ સાલે આયોજીત લગ્ન મહોત્સવમાં અન્ય સમાજના દાતાએ પણ સ્વયંભૂ યોગદાન આપ્યું છે. લગ્ન વિધિ વિધાન સમાજના જ પંડિત આચાર્ય ખરાશંકર મણિશંકર નાકર (માનકૂવા)ની આગેવાની હેઠળ ગોર મારાજ સમૂહ જોડાશે. સમૂહ લગ્નને સફળતા માટે મુંદરા તાલુકા કચ્છી રાજગોર સમાજના પ્રમુખ કીર્તિ ગોરની આગેવાની હેઠળ સમાજની ટીમ, ટ્રસ્ટી મંડળ, યુવક મંડળના સતીશ ગોર (પ્રમુખ) સહિતની ટીમ સહયોગી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer