લર્નિંગ લાયસન્સ મેળવવા હવે હાલાકી નહીં વેઠવી પડે

ભુજ, તા. 13 : લર્નિંગ લાયસન્સ મેળવવા માટે છેલ્લા કેટલાક સમયથી હાલાકી વેઠતી મોટરિંગ પબ્લિકની હાલાકી હવે હળવી બનશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્ત્વનો પરિપત્ર જાહેર કરી હવેથી કોઈ પણ મોટરિંગ પબ્લિક ગમે તે લાયસન્સિંગ ઓથોરિટીમાં કાચું લાયસન્સ મેળવવા માટે અરજી કરી શકશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારી દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારે થોડા સમય પહેલાં માત્ર આઈટીઆઈમાં જ કાચાં લાયસન્સ માટેની પ્રક્રિયા થશે તેવી જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત બાદ મોટરિંગ પબ્લિકને ભારે હાલાકી વેઠવી પડતી હતી. કેમ કે આઈટીઆઈમાં બપોરે સાડા ત્રણથી પાંચ વચ્ચે જ આ કાર્ય થતું હોવા સાથે સ્લોટ પણ ઓછો હોતાં ધરમ ધક્કા ખાવા પડતા હતા. અનેક વિસ્તારોમાં તો લર્નિંગ લાયસન્સ આપવાની કામગીરી મોટાભાગે ઠપ્પ જેવી જ થઈ ગઈ હતી. મોટરિંગ પબ્લિકની રજૂઆતને ધ્યાને લઈ સરકારે આ નિર્ણય કર્યો છે. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, પાછલા બારણેથી લાગતા વળગતાઓને  તો કાચા લાયસન્સ આપવાની પ્રક્રિયા કરી અપાતી હતી, પણ હવે સત્તાવાર રીતે દરેક વાહન ધારકને કાચું લાયસન્સ અહીંથી આપી શકાશે. ભુજ અને ગાંધીધામની આરટીઓ કચેરી ઉપરાંત તમામ આઈટીઆઈમાં લર્નિંગ લાયસન્સ માટેની અરજી લેવા સહિતની પ્રક્રિયા સરળતાથી કરી શકાશે.મોટરિંગ પબ્લિક વતી ઉમર સમાએ જણાવ્યું કે, આરટીઓ કચેરીમાં સાંજે 6 વાગ્યા સુધી કામગીરી જારી રહેવા સાથે દૈનિક 100 લાયસન્સનો સ્લોટ હોતાં વાહનધારકોને ઘણી બધી રાહત થશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer