કચ્છ જિલ્લા પંચાયત દ્વારા સિંચાઇનું કામ એક વ્યક્તિથી કરવું શક્ય નથી

ભુજ, તા. 13 : કચ્છ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરોની  ખાલી જગ્યા તાત્કાલિક ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે. કચ્છમિત્રના હેવાલને પગલે જિ.પં. આખરે જાગીને મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી નાયબ કાર્યપાલકની જગ્યા અને કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી છે. આ વર્ષે કચ્છમાં ખૂબ જ સારો વરસાદ થયો છે.  જિલ્લા પંચાયત હસ્તક છ સિંચાઇ પેટા વિભાગ છે. નાની સિંચાઇ યોજનાના 170 ડેમો જે પૈકી 104માં રવીપાક લેવા 9400 હેક્ટરમાં પિયત થઇ શકે તેટલો પાણીનો જથ્થો છે. તથા તળાવોમાં  લિફટ ઇરિગેશન દ્વારા 1500 હેક્ટર પિયત કરી શકાય તેવી સારી સ્થિતિ છે.જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ  વધુમાં જણાવ્યું હતું કે, વિસ્તારની દૃષ્ટિએ  કચ્છ ખૂબ જ મોટો જિલ્લો છે. હાલમાં છ નાયબ કાર્યપાલક ઇજનેરની 6 જગ્યા સામે માત્ર એક રાપર જળસિંચાઇ પેટા વિભાગની જગ્યા ભરાયેલી છે અને પાંચ ખાલી છે. કાર્યપાલક ઇજનેરની જગ્યા પણ ખાલી છે. કાર્યપાલક ઇજનેર સહિત તમામ જગ્યાનો ચાર્જ એક જ ના.કા.ઇ.ને સોંપાયો છે, ત્યારે એક જ વ્યક્તિ દ્વારા આ તમામ કામગીરી કરાવવી શક્ય નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer