હમીરસર કિનારે પથરાયાં કાર્નિવલનાં કામણ

હમીરસર કિનારે પથરાયાં કાર્નિવલનાં કામણ
ભુજ, તા. 25 : પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભુજના હૃદયસમા હમીરસર તળાવનો કાંઠો કાર્નિવલના કામણથી ગાજી ઊઠયો હતો. ભુજ નગરપાલિકા દ્વારા કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના સહયોગથી આયોજિત કાર્નિવલમાં 38 જેટલી અલગ અલગ સંસ્થાઓએ પોતાની કલાના કામણ પાથરતી પ્રસ્તુતિ કરી ઉપસ્થિત નગરજનોની વાહવાહી મેળવી હતી. ઝગામગા થતા હમીરરસના કાંઠે કાર્નિવલના પગલે જન્માષ્ઠમીના ભરાતા લોકમેળા જેવો માહોલ ખડો થયો હતો. પેન્શનર ઓટલા પાસે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, કચ્છ સરહદી રેન્જના મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી, નગરપાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, ચીફ ઓફિસર નીતિન બોડાત,  તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્નિવલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજ કાર્નિવલમાં કચ્છની સંસ્કૃતિના દર્શન કરતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ થવા સાથે પર્યાવરણીય જાગૃતિ, યોગ, શિક્ષણ દ્વારા સમાન પરિવર્તન, રાજાશાહી વખતની પરંપરાઓને અલગ અલગ સંસ્થાઓએ પોતાની કૃતિમાં આવરી લીધી હતી. 38 જેટલી કલાકૃતિની રજૂ થયેલી પ્રસ્તુતિમાં 1134 જેટલા કલાકારોએ પોતાના કામણ પાથર્યા હતા. એક પછી એક કૃતિની પ્રસ્તુતિ રજૂ થતી ગઇ તેમ તેમ ઉપસ્થિત જનમેદનીએ હર્ષની ચિચિયારી સાથે એને વધાવી લઇ આ ક્ષણને મોબાઇલમાં કેદ કરી લીધી હતી. વેદાંત યોગ સેન્ટરના બાળકોના યોગનો,  તો મિરજાપર કન્યા શાળાએ ગામઠી રાસ રજૂ કર્યો હતો. લાલન કોલેજના છાત્રોએ કચ્છી સંસ્કૃતિના જોવાલાયક સ્થળોનાં દર્શનનો, ચાણક્ય કોલેજ અને સહજાનંદ ગુરુકુળ માનકૂવા એન.સી.સી. પરેડના કરતબ દેખાડયા હતા. હરીતા કલાવૃંદે બેટી બચાવો બેટી પઢાઓ, કચ્છ સમર્પણ પરિવારે ધ્યાનનો મહિમા કૃતિ મારફતે વર્ણવ્યો હતો. મા આશાપુરા વિદ્યા સંકુલની કન્યાઓએ તલવારરાસ મારફત મહિલા સશક્તિકરણના દર્શન કરાવ્યા હતા.તેજસ્વિની ગ્રુપે પર્યાવરણીય જનજાગૃતિ, કસ્તૂરબા ગાંધી બાળ વિદ્યાલયે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તો બંસીધર રાસમંડળીએ લગ્નની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરી હતી. કિડ્ઝી સ્કૂલે ગણેશવંદના તો નાગર મહિલા મંડળે ઐતિહાસિક વ્રજવાણી ઢોલની કૃતિ રજૂ કરી જૂના ઈતિહાસને જીવંત કર્યો હતો.પતંજલિ સમિતિએ યોગિક ક્રિયા, મિરજાપર કુમાર શાળાએ શૌર્યગીત, ઈન્દ્રાબાઈ કન્યા શાળાએ ગ્રામ્ય જીવનનો ઉમંગ ઉત્સવ, જ્યારે સેતુ અભિયાને ભુજના નાગરિકોની સર્વાંગી વિકાસમાં સહભાગીતા મુદ્દે 3 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરી હતી. ભાટિયા મહિલા મંડળે કચ્છી સંસ્કૃતિના દર્શન, પૂર્વી લોકકલા કેન્દ્રે ભુજંગ દેવની રવાડીને તાદૃશ કરી હતી. એન્કરવાલા સ્કૂલે શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન તો સંસ્કૃત ભારતીએ કચ્છ ભારતની સંસ્કૃતિ ગીતોના સથવારે રજૂ કરી હતી. સંસ્કાર સ્કૂલે ભુજનો હેલો તો સીદી ધમાલની પણ રજૂઆત કરવામાં આવી હતી. લિટલ સ્ટેમ્પ્સ મોન્ટેસરી સ્કૂલે સ્વચ્છતા યજ્ઞ જ્યારે સમી રાંદલમાતા ગ્રુપે કચ્છી-ગુજરાતી નૃત્ય ફોકડાન્સ રજૂ કર્યો હતો. લાયન્સ હોસ્પિટલે ડાયાલિસીસ અંગે જાગૃતિ દર્શાવતો ડેમો, રીધમ ડાન્સ કાફે માતાના મઢની ચામરવિધિ જ્યારે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ માતૃભાષા બચાવો અંગેની કૃતિની પેશકશ કરી હતી. સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરે બેન્ડ પર્ફોમન્સ તો ઓફ્રેડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આર્ષ જયંતીની 150 વર્ષની ઉજવણી, ધનવંતરી સ્કૂલે કૃષ્ણ લીલા,  જેસલરાજ ચેરિટેબલ ટ્રસ્ટે તલાવરબાજી તો આશાપુરા વૂમન એકેડેમીએ વિષ્ણુના દશાવતાર તેમજ નુપૂર સુબી ગ્રુપે ખમીર વંતા યુદ્ધ સાથે સરકારી ઈજનેરી કોલેજે ગરબા-લોકનૃત્ય રજૂ કર્યા હતા. નાગરિક સંરક્ષણ દળના સ્વયંસેવકોએ જનજાગૃતિ પરેડ યોજી હતી. કાર્નિવલમાં ભાગ લેનાર સ્પર્ધકોની સાથે તેને નિહાળવા આવનારા લોકોને લક્કી ડ્રો મારફતે ઈનામ આપનાર હોવાથી મોટી સંખ્યામાં ભુજવાસીઓએ આ કૂપન મેળવી ઈનામ મેળવવા માટે પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. કેડીજીનામની ખાનગી કંપની દ્વારા 5000થી વધુ નગરજનોને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. સુધરાઈએ સ્વચ્છતા સર્વેક્ષણ અંગેના ફીડબેક પણ લીધા હતા.આ તકે પાલિકા અધ્યક્ષા લતાબેન સોલંકીએ કાર્નિવલના આયોજન થકી નગરના ઊભરતા કલાકારોને મંચ પૂરો પાડવાનો પ્રયાસ કરાયાનો આશાવાદ દેખાડી સમગ્ર આયોજનમાં લોકભાગીદારીને વણી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સુધરાઈના નગરસેવકો, શહેરના રાજકીય-સામાજિક ક્ષેત્રના આગેવાનો તેમજ નગરજનોએ આ અવસરે બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભુજમાં કાર્નિવલનું આયોજન 7 વર્ષના ગાળા પછી કરાયું હતું. અભય કલર લેબના પ્રકાશભાઇ ગાંધી અને તેમની ટીમ દ્વારા દરેક ગ્રુપ તેમજ સ્ટેજ પર બેઠેલા અગ્રણીઓના ફોટા પાડી તરત જ તેમને આપવામાં આવ્યા હતા. આ પ્રયાસને ઉપસ્થિતોએ વધાવ્યો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer