ભચાઉમાં ભૂકંપ ટાણે કાટમાળ વચ્ચે જન્મેલો `કંપન'' આજે નોકરી કરે છે

ભચાઉમાં ભૂકંપ ટાણે કાટમાળ વચ્ચે જન્મેલો `કંપન'' આજે નોકરી કરે છે
મયૂર ઠક્કર દ્વારા-   ભચાઉ, તા. 25 : ભયાવહ ભૂકંપને 19 વર્ષ વીતી ગયા અને ત્યારની તારાજીની પીડા આજે પણ લોકો ભૂલી શકયા નથી. ત્યારે અહીં એક માતાએ ધરતીકંપ સમયે જ  પુત્રને જન્મ આપ્યો અને મહામહેનતે કાટમાળમાંથી માતા પુત્ર બચ્યા તે વખતની યાદ કરતાં સનીબેન આજે પણ ભયભીત થઈ જાય છે, જો કે 19 વર્ષના થયેલા નવયુવાન પુત્રનું નામ તેમણે `કંપન' પાડયું છે.   વાત છે અહીંના સનીબેન રબારીની. બરાબર ધરતીકંપ સમયે જ પુત્ર રત્નને જન્મ આપ્યો પણ તેને પેટ ભરાવી શકાય તેવી સ્થિતિ ન હતી. કારણ કે ઉપર કાટમાળ પડયો હતો.  આ ગોઝારી ઘટનાની યાદ કરતાં સનીબેન કહે છે કે, 26મી જાન્યુઆરી  2001 ના પોતાના ઘેર પ્રસવ પીડા ઉપડી હતી. તેમના પતિ કરશનભાઈ ખેતમજૂરી કામે ગયા હતા અને કાળમુખા ભૂકંપનું આગમન થયું અને સાથે જ પુત્રનો જન્મ થયો પણ વક્રતા તો જુઓ ત્રણ પુત્રી બાદ જન્મેલા પુત્રનું મોઢું જોઈ શકે તેવી દશા જ ન હતી. રહેઠાણનું છાપરું અને પડોશીની દીવાલ પડી હતી. જો કે સદ્ભાગ્યે ઘરમાં સાથે રહેતા તેના માતાએ સંબંધીઓને બોલાવી મહામહાનતે તેને કાટમાળની બહાર કાઢયા હતા. એક કલાક બાદ  સનીબેને જાતે નાળ વિચ્છેદ કરીને પુત્રને અલગ કર્યો હતો.પોતાના વ્હાલસોયા નવજાત શિશુને ગળે લગાવીને વહાલ કરી શકે તેવી હાલત રહી ન હતી. કારણ કે એક અઠવાડિયા સુધી પૂરતું ખાવા પીવાનું પણ નસીબ થયું ન હતું. સારવાર વિશે પૂછતાં સનીબેને નિરાશા સાથે જણાવ્યું કે, કયાં જવું તેની સૂઝ પડતી નહોતી આખું ગામ ધૂળધાણી થઈ ગયું હતું. એક માસ બાદ સરકારી ધૂળધાણી થઈ ગયું હતું.  એક માસ બાદ સરકારી ગાડીમાં આવેલા તબીબે યોગ્ય સારવાર કરી પુત્રનું નામ `કંપન' રાખવાનો મત વ્યકત કરતાં તેનું ભૂકંપ સાથે સરખાવી દીધું. આ કંપન એક ટ્રેકટર શોરૂમમાં નોકરી કરે છે. અને ધોરણ આઠ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો છે ચાર વર્ષ અગાઉ પિતાનું હાર્ટએટેકમાં મૃત્યુ થતાં અભ્યાસ છોડી તેને કામે લાગી જવું પડયું  છે અને સનીબેન પારકા ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. સનીબેને કહ્યું હતું કે દીકરીઓને પરણાવવાની બાકી છે ભાઈના ઘરમાં રહી પોતાની જિંદગી જીવી રહ્યા છીએ. ભૂકંપથી શરૂ થયેલી પીડા હજુ સુધી શમી નથી. પતિના અવસાન બાદ બધી જવાબદારી એકલા હાથે ઉપાડવી પડી છે ન કોઈ સહાય મળી કે અન્ય કોઈ સરકારી લાભો. વિધવા સહાય મળે છે પણ લેવા જવાનો પૂરતો સમય પારકા કામમાં મળતો નથી.       

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer