કારાયલને પદ્મશ્રી સન્માન

કારાયલને પદ્મશ્રી સન્માન
ભુજ, તા. 25 : કેન્દ્ર સરકારે 71મા પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ ઇલ્કાબોની કરેલી જાહેરાતમાં કચ્છના નખત્રાણા તા.ના વિગોડી ગામના કચ્છી ભાષી સર્જક નારાયણ જેઠમલ જોશી `કારાયલ'ને પદ્મશ્રી સન્માન જાહેર કરતાં સન્માનનીય એવા સર્વોચ્ચ એવોર્ડની યાદીમાં લગાતાર બીજાં વર્ષે કચ્છને સ્થાન મળ્યું છે. આ રીતે કચ્છી ભાષા સાહિત્ય સર્જકનાં પોખણાં થતાં કચ્છી સાહિત્યકારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. દેશમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ પ્રથમ ક્રમાંક ધરાવતા સરહદી કચ્છ જિલ્લાની લોક બોલી `કચ્છી'ને વધુને વધુ લોકજીભે વહેતી કરવાના કરેલા પુરુષાર્થ બદલ શ્રી કારાયલને આ એવોર્ડ જાહેર કરાયો છે. વિગોડીના મેટ્રિક પાસ એવા સારસ્વત બ્રાહ્મણ પરિવારના શ્રી કારાયલે 1984માં એમનું પ્રથમ પુસ્તક `િધલજી ગાલ્યું' કચ્છી ભાષામાં વાર્તાસંગ્રહ રૂપે આપ્યું, ત્યારબાદ ક્રમશ: તેમણે કચ્છી ભાષાની અનેરી સેવા સમાન કચ્છી પાઠાવલિ ભાગ-1 અને 2 આપ્યાં. પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે આ પાઠાવલિને જી.સી.ઇ.આર.ટી.એ બિનકચ્છી ભાષી લોકોને કચ્છી ભાષામાં તાલીમ આપવા માટેના મોડયુલ તરીકે સ્વીકારી છે. તેઓ કચ્છી સાહિત્ય કલા સંઘ દ્વારા છેલ્લા બે દાયકાથી લેવાતી જાણ-સુજાણ પરીક્ષા પૈકી જાણ પરીક્ષા માટે પાઠયપુસ્તક તરીકે પણ માન્યતા મળેલી છે. કચ્છી ભાષામાં સૌથી વધુ પ્રત પ્રકાશિત થઇ હોવાનો પણ પાઠાવલિ-2નો વિક્રમ છે. પાઠાવલિ-2 સુજાણ પરીક્ષાના પાઠયપુસ્તક તરીકે માન્યતાપ્રાપ્ત છે. કચ્છી સાહિત્ય અકાદમી તરફથી 2016માં નારાયણ જોશી `કારાયલ'ને ગૌરવ પુરસ્કાર એનાયત કરાયો છે. શિક્ષક તરીકેની કારકિર્દી દરમ્યાન 1991માં રાષ્ટ્રીય પારિતોષિક તેમજ એ અગાઉ 1989માં રાજ્ય પારિતોષિક મેળવનારા શ્રી કારાયલને દુલેરાય કારાણી સ્મૃતિ ચંદ્રક, ભારતીય સંસ્કૃતિ?ફાઉન્ડેશન દ્વારા 2002માં સુવર્ણચંદ્રક ઉપરાંત કચ્છી સારસ્વત સન્માન સમિતિ-મુંબઇ, તારામતી વિશનજી ગાલા તથા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો મળી ચૂક્યા છે. 31 જાન્યુઆરી-1943ના જન્મેલા કારાયલે 1999માં કચ્છી સાહિત્યકારોનાં સથવારે કચ્છી સાહિત્ય કલા સંઘની સ્થાપના કરી અને કચ્છી જાણ-સુજાણ?પરીક્ષાઓનો પ્રસિદ્ધ રામાયણી પૂ. મોરારિબાપુના હસ્તે પ્રારંભ કરાવ્યો. કચ્છમાં બદલી આવતા શિક્ષકો અબડાસા, લખપત જેવા અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવવા જાય છે ત્યારે કચ્છી ભાષાની ખોટ આ સંસ્થાના પ્રયાસોથી પૂરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, નિરોણાના રોગાન કલાનાં કસબી અબ્દુલ ગફુર ખત્રી બાદ લાગલગાટ બીજો પદ્મશ્રી ખિતાબ કચ્છને પહેલી વખત પ્રાપ્ત થયો છે. એ અગાઉ પ્રસિદ્ધ સંગીતજ્ઞ?બેલડી કલ્યાણજીભાઇ-આણંદજીભાઇ પણ આ સન્માન સંગીત ક્ષેત્રે મેળવી ચૂક્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer