વોંધ અને લાકડિયા પાસે અકસ્માતના બે બનાવમાં 16 જણને થઈ ઈજા

વોંધ અને લાકડિયા પાસે અકસ્માતના બે બનાવમાં 16 જણને થઈ ઈજા
ગાંધીધામ, તા 25 : ભચાઉ તાલુકાના વોંધ અને લાકડિયા નજીક માર્ગ અકસ્માતના બે જુદા જુદા બનાવમાં 16જણાને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ અંગે મળતી પ્રાથમિક વિગતો  મુજબ લાકડિયા પેટ્રોલપંપ પાસે માર્ગ અકસ્માતનો બનાવ આજે સવારના અરસામાં બન્યો હતો. પાલનપુર ભુજ  એસ.ટી બસના ચાલકે ઊભેલાં ટ્રેઈલરના ઠાંઠામાં  બસ અથડાવી દીધી હતી. ધડાકાભેર ટક્કર થતાં બસના આગળના ભાગમાં  વ્યાપક નુકસાની થઈ હતી. અકસ્માતના આ બનાવમાં બળવંતસિંહ હરિભાઈ નટ, સંગીતાબેન ભોપાજી ઠાકોર, ઈશ્વર હરજી ચૌહાણ અને બસના કંડકટર રાજેશ હરીશચંદ્ર મહેસુરિયાને હળવી ઈજાઓ પહોચતાં સારવાર માટે લાકડિયાના સરકારી દવાખાનામાં ખસેડાયા હતા. જયારે અન્ય 11 ઈજાગ્રસ્તોને ભચાઉની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તાકીદની સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુમાં હોઈ વધુ વિગતો સાંપડી નથી. બીજી બાજુ ભચાઉ તાલુકાના વોંધ નજીક આજે સવારના અરસામાં પાંચ વાહનો અથડાયાં હતાં.  ચાર ટર્બો ટ્રેઈલર અને એક કાર વચ્ચે  ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક ડ્રાઈવરને ઈજા પહોંચી હતી. તેમજ વાહનોમાં નુકસાન થયું હતું. અમારા ભચાઉના પ્રતિનિધિ કમલેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે અકસ્માતના કારણે ભચાઉ વોંધ હાઈવે ઉપર ટ્રાફિક અવરોધાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ને ટ્રાફિક સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરાવ્યો હતો. બે કલાક બાદ  અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ ઉપરથી દૂર કરાયાં હતાં.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer