દિવ્યાંગોના પ્રશ્ને સમાજના આંખ આડા કાન

દિવ્યાંગોના પ્રશ્ને સમાજના આંખ આડા કાન
ભુજ, તા. 25 : કચ્છ દિવ્યાંગ સંગઠન દ્વારા અહીંની જિલ્લા કલેક્ટર કચેરી સામે છેલ્લા પાંચેક દિવસથી દિવ્યાંગોના વિવિધ પ્રશ્ને ધરણા યોજવામાં આવી રહ્યા છે, તેમ છતાં કોઈ સંગઠન, સમાજના આગેવાનો દ્વારા પૃચ્છા કરવામાં ન આવતાં આ દિવ્યાંગો સમાજના અંગ નથી તેવો વેધક પ્રશ્ન ખુદ ધરણા પર બેઠેલા દિવ્યાંગો પૂછી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરી સામે કડકડતી ઠંડીમાં ધરણા પર બેઠેલા આ સંગઠનના હોદ્દેદારોએ પોતાના પ્રશ્નો અંગે `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, દિવ્યાંગોના વિકાસ માટે ચાલતી સરકારની તમામ યોજનાઓમાં તેમને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને અશક્ત હોવા છતાં અવાજ ઉઠાવીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી.આ દિવ્યાંગોએ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓમાં આવક મર્યાદા દૂર કરવા અથવા બીપીએલ યાદીમાં સમાવેશ કરવા, 40 અને 80 ટકા દિવ્યાંગતા ટકાવારીમાં અલગ-અલગ નિયમોના બદલે તમામને સરખો લાભ આપવા, દિવ્યાંગો સમાજમાં સ્વમાનભેર જીવી શકે તે માટે બેરોજગારોને રોજગારી ભથ્થું આપવા, કચ્છના ખાનગી ઉદ્યોગોમાં નિયમ મુજબ ખાલી જગ્યા પર ભરતી કરવા, ઔદ્યોગિક સહાય લોન સરળ બનાવવા, રહેઠાણ અર્થે તેમજ લઘુ ઉદ્યોગ માટે જમીન ફાળવી ખેડૂત હક્ક આપવા, આયુષ્યમાન યોજનામાં સમાવેશ કરવા, પેન્શનની રકમમાં વધારો કરવા, જિલ્લાના તમામ દિવ્યાંગોના સર્વે કરવા સહિતના પ્રશ્ને તાત્કાલિક ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે. અન્યથા અનિશ્ચિતકાળ સુધી ધરણા યોજવામાં આવશે તેમજ ગાંધીનગર કૂચ કરવામાં આવશે તથા મત અધિકાર જતો કરી ચૂંટણીકાર્ડનું સામૂહિક દહન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ અગાઉના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઉદ્યોગોમાં ભરતી મેળો યોજવા, લઘુ ઉદ્યોગ માટે સરળ લોન આપવા અને ખાનગી ઉદ્યોગોમાં કાયદાકીય અમલવારી પ્રમાણે ટેકનિકલ-નોન ટેકનિકલ દિવ્યાંગ કામદારોને રોજગારી આપવા આશ્વાસન અપાયું હતું, પરંતુ તેની કોઈ અમલવારી કરવામાં આવી નથી અને માત્ર ઠાલા આશ્વાસન આપવામાં આવ્યા છે. આ ધરણામાં છગનભાઈ મહેશ્વરી, ભીમજી મહેશ્વરી, મોહન માતંગ, સુરેશ પટેલ, લાલજી સુરંગી, ખેતશી ચંદે વગેરે જોડાયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer