સીએએ કાયદો દીવા જેવો સ્પષ્ટ

સીએએ કાયદો દીવા જેવો સ્પષ્ટ
ભુજ, તા. 25 : સીએએના સમર્થનમાં કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા ગણતંત્રદિનની પૂર્વસંધ્યાએ આજે તિરંગાયાત્રા બાઇકરેલીનું આયોજન થયું હતું, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાછળથી હોટેલ વિરામના પ્રાંગણમાં સભા યોજાઇ હતી. ભાજપના પ્રદેશમંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ અહીં પ્રિન્સ રેસિડેન્સીથી બાઇકરેલીએ પ્રસ્થાન કર્યું હતું અને જાહેર માર્ગો પરથી આ તિરંગા સાથેની યાત્રા ફરી હતી. બાદમાં હોટેલ વિરામ ખાતે સભા યોજાઇ હતી. દરમ્યાન, ઉપસ્થિત કાર્યકરોને સંબોધતાં પ્રદેશ ભાજપમંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત દાયકાથી કોંગ્રેસ જેનું મગનું નામ મરી નથી પાડી શકી એવા સીએએઁ જેવા દેશના વિકાસ અને ઉન્નતિ માટેના અત્યંત મહત્ત્વપૂર્ણ કાયદાને કેન્દ્ર સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની કુનેહથી સફળતાપૂર્વક પસાર કરવાની બેજોડ સિદ્ધિ મેળવી છે. આ કાયદો અત્યંત દીવા જેવો સ્પષ્ટ છે. ભારતનું નાગરિકત્વ ધરાવતા કોઇપણ ધર્મ, વર્ણ કે સમાજના લોકોને આ કાયદા થકી ચિંતિત થવાની લેશમાત્ર પણ જરૂરિયાત નથી. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ?પટેલે જણાવ્યું હતું કે, સ્વના વિકાસમાં જ રચી-પચી રહેતી કોંગ્રેસે હંમેશાં રાષ્ટ્રના વિકાસમાં રોડાં નાખવાનું જ કાર્ય કર્યું છે. ખુદ કોંગ્રેસના દિવંગત વડીલોએ જે કાયદાની હિમાયત કરી હતી એ કાયદો જ્યારે વાસ્તવમાં અમલી થઇને સપાટી ઉપર આવ્યો છે ત્યારે કોંગ્રેસ આ રાષ્ટ્રની જનતાને ગુમરાહ કરવાનું ઘોર દુષ્કૃત્ય આચરી રહી છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સીએએ અંતર્ગત કોંગ્રેસના દુષ્પ્રચારો સામે રાષ્ટ્રના જન-જન સુધી સચોટ?માહિતી પહોંચાડવાના આશયથી સમગ્ર રાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના વિભિન્ન એકમો અને ઘટકો દ્વારા સીએએ સમર્થન મહાઅભિયાન વ્યાપક પ્રમાણમાં હાથ?ધરવામાં આવ્યા છે. દેશવાસીઓ આ ઉમદા નિર્ણયમાં સરકારની પડખે છે અને સ્વયંભૂપણે જોડાઇને પોતાનું જબરદસ્ત સમર્થન પૂરું પાડી રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્યો નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઇ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો પંકજભાઇ મહેતા, રમેશભાઇ મહેશ્વરી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ રાહુલભાઇ ગોર, મહિલા મોરચા પ્રમુખ દિવ્યાબા જાડેજા, અનુ. જાતિ મોરચા પ્રમુખ સામતભાઇ મહેશ્વરી સહિત કચ્છભરમાંથી યુવાનો અને પક્ષના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા સહઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer