બે કલાકમાં બે ટન `ભકાલે'' ખલ્લાસ !

બે કલાકમાં બે ટન `ભકાલે'' ખલ્લાસ !
નલિયા, તા. 25 : શિયાળાની સિઝન દરમ્યાન શાકભાજીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતું હોવાથી ઘણા સ્થળોએ છૂટક વેચાણના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, પરંતુ અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે છુટક શાકભાજીના ભાવમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થયો નથી.  મોંઘવારીના આ યુગમાં બજારમાં ફુલાવર 1 કિ. મી. 40 રૂા., કોબી 1 કિ. 40 રૂા., મેથી, પાલક, રીંગણા, ગાજરના પ્રત્યેકના ભાવ 1 કિ. ગ્રા.ના 40 રૂા., તુરિયાં પ્રતિ કિ.ના રૂા. 60, ટમેટા રૂા. 20થી 30 એ ભાવે મળે છે ત્યારે રવાપરના એક શાકભાજીના વિક્રતા શાકભાજી યુટીલિટી ભરીને નલિયા લઇ આવી પ્રતિ કિ. ગ્રા.ના રૂા. 10ના ભાવે શાકભાજી વેચાણ કરતાં ગ્રાહકોની ભારે ભીડ જામી હતી અને બટાટા, કોબી, ફુલાવર, રીંગણા, મૂળા, મેથી, ટમેટાં વગેરે તમામ શાકભાજી પ્રતિ કિ.ગ્રા. રૂા. 10ના ભાવથી વેચાણ કરતાં ગ્રાહકોને મોટી રાહત મળી હતી. વિક્રેતા કાસમ આદમ ચાકી શાકભાજીના વેચાણ માટે  સપ્તાહમાં ત્રણવાર નલિયા આવે છે અને બે ટન બકાલા (શાકભાજી)નું વેચાણ કરી જાય છે. તાજાં એવાં શાકભાજી ખરીદવા લોકો એકઠા થયા હતા અને ખરીદવા માટે પડાપડી કરતા હતા. જથ્થો ખલાસ થઇ જતાં ઘણા લોકોને નિરાશ થઇ પાછા જવું પડયું હતું. અલબત્ત જથ્થો હતો ત્યાં સુધી લોકોએ લીલાં અને તાજાં શાકભાજીની મનભરીને ખરીદી કરી ગેલમાં આવ્યા હતા. એક તબક્કે પોલીસ બોલાવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer