બોફોર્સ જોઈને બાળકોએ કર્યો હર્ષનાદ

બોફોર્સ જોઈને બાળકોએ કર્યો હર્ષનાદ
ગાંધીધામ, તા 25 : કારગિલ યુદ્ધ વખતે દુશ્મનોના દાંત ખાટા કરી દેનારી ભારતીય સેનાની મહત્ત્વની તાકાત સમી બોફોર્સ તોપનું અહીંની દિલ્હી પબ્લિક સ્કૂલ (ડીપીએસ) ખાતે આજે નિદર્શન કરાયું ત્યારે આ તોપ જોઈને શાળાના બાળકો ચિચિયારી પાડી ઉઠયાં હતાં. ભારતીય સેનાની ફાલ્કન બિગ્રેડ દ્વારા ઙ્કનો યોર આર્મીઙ્ખ (તમારા લશ્કરને ઓળખો) કાર્યક્રમ હેઠળ ડીપીએસ ખાતે એકત્ર સેંકડો વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકો સમક્ષ યુદ્ધમાં બોફોર્સ તોપનો કઈ રીતે ઉપયોગ થાય છે તેનું નિદર્શન કરાયું હતું. લશ્કરી વાહનમાં ખેંચી જઈને જવાનો ચપળતાથી આ બોફોર્સ ગનને દુશ્મનો ઉપર તૂટી પડવા કઈ રીતે સજજ કરે છે તેની ડ્રીલથી બાળકો અત્યંત ઉત્સાહમાં આવી ગયાં હતાં. જયહિન્દના ગગનભેદી નારા સાથે સૌએ સેનાના જવાનોને આવકાર્યા હતા. ડીપીએસના નકુલભાઈ અયાચી, સેનાના કર્નલ વિશાલ, લેફ. કર્નલ શશીકાન્ત શર્મા વગેરેની હાજરીમાં આ નિદર્શન કરાયું હતું. ડીપીએસના દાદા-દાદી દિવસની ઉજવણી અંતર્ગત આવેલા વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ જવાનોએ રકતદાન શિબિર પણ યોજયો હતો. ભારતીય સેનાના જવાનો દ્વારા વપરાતી ઓટોમેટિક રાયફલ , મશીનગન વગેરેનું પણ અહીં નિદર્શન કરાયું હતું. જે બાળકોમાં આકર્ષણરૂપ બન્યું હતું. પ્રજાસત્તાક દિન પ્રસંગે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભકિતનું મોજું પણ સર્જાયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer