નલિયામાં ઠંડી 3 ડિગ્રી ઘટતાં રાહત

નલિયા, તા. 25 : કચ્છના કાશ્મીર એવા નલિયામાં એક જ રાત્રિમાં ઠંડીનો પારો  ત્રણેક ડિગ્રી જેટલો નીચે ગયા બાદ ફરી 24 કલાકમાં ઊંચો આવતાં અબડાસાવાસીઓએ ઠંડીમાં રાહત અનુભવી હતી. આજે 10.4 ડિગ્રી લઘુતમ તાપમાન હવામાન કચેરી ખાતે નોંધાયું હતું. જ્યારથી શિયાળાની સિઝન શરૂ થઇ છે ત્યારથી દિન-પ્રતિદિન નલિયામાં ઠંડીનો પારો સતત નીચે-ઉપર થતો જ રહે છે. જો કે, અપવાદ સ્વરૂપ ક્યારેક પારો થોડો વધુ ઊંચકાય ખરો, પરંતુ ત્યારે પવનની ઝડપ એટલી હોય કે ઠંડી તો અનુભવાય જ. આમ સતત ઠંડીની થપાટ નીચે વસવાટ કરનારા અબડાસાવાસીઓએ આજે ઠંડીમાં સારી રાહત અનુભવી હતી. એમ કહી શકાય કે, આજે ઠંડીએ અબડાસામાં  રજા પાળી હતી. જો કે, વહેલી સવારે તો ઠાર રહ્યો જ હતો, પરંતુ દિવસ ચડતાં તડકાનું સામ્રાજ્ય છવાતાં ઠંડીમાં દિવસ દરમિયાન સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો. ઠંડીની શરૂઆતથી આબાલ-વૃદ્ધ સૌ કોઇ?દિવસ-રાત સતત ઊની વત્રોમાં લપેટાયેલા જોવા મળતા હતા. આજે સ્વેટરોએ પણ દિવસ દરમ્યાન નિરાંતનો શ્વાસ લીધો હતો. અલબત્ત વહેલી સવારે  અને મોડી સાંજે તો ઠંડીએ  પોતાનો પરચો બતાવ્યો જ હતો. તેમ છતાં દિવસે ઘટાડો નોંધાતાં અબડાસાવાસીઓએ કેટલાય દિવસો પછી ઠંડીમાં નિરાંતનો શ્વાસ લીધો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer