સંકલન ગ્રુપમાં જ સંકલનનો અભાવ : શહેરીજનોનો નીકળતો ખો

ભુજ, તા. 23 : શહેરમાં અવારનવાર ખાડાઓના થતા ખોદકામનાં કારણે મહત્ત્વની સેવાઓ ખોરવાઈ ન જાય તે માટે એક સંકલન ગ્રુપ બનાવાયું હતું. જો કે આ ગ્રુપની રચનાથી લોકો માટે સમસ્યા સર્જતી બાબતમાં કોઈ મોટો ફેર પડયો હોય તેવું લાગતું નથી. ત્યારે આ સંકલન ગ્રુંપમાં જ સંકલનનો અભાવ જણાઈ રહ્યાનું તાજેતરમાં ઘટેલી ઘટનાઓ પરથી ફલિત થઈ રહ્યું છે. આ બાબતે કેટલાક જાગૃત નગરજનોએ જણાવ્યું કે શહેરમાં અલગ અલગ તંત્રો દ્વારા સમયાંતરે અલગ અલગ કાર્યો  માટે ખાડાઓ ખોદવામાં આવતા હોય છે. ખાડાઓનાં કારણે કયારેક સંચાર સેવા તો કયારેક પાણી અને ગટર લાઈનમાં ભંગાણ પડવા સહિતની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિવારણ માટે લગભગ અઢી વર્ષ પહેલાં સંબંધિત તંત્રોના જવાબદારો વચ્ચે સંકલન સાધવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવાયું હતું. આ ગ્રુપ બન્યા બાદ થોડા સમય માટે બધું સમુંસૂતરું ચાલ્યા બાદ ફરી એકવાર એ જ સમસ્યાનું પુનરાવર્તન થતું હોવાની અનેક ફરિયાદો સોમ આવી રહી છે.અલગ અલગ તંત્રો પોતાના વિભાગ સંબંધિત કાર્ય માટે ખાડાઓનું ખોદાણ કરે ત્યારે અન્ય વિભાગને જાણ કરવાની તસદી સુદ્ધાં ન લેતા હોવાના લીધે પુન: એકવાર ભુજના શહેરીજનોને સમસ્યામાં સપડાવવાનો વારો આવી રહ્યો છે.સંકલન ગ્રુપની કામગીરીને વધુ સઘન બનાવાય તો તંત્રવાહકોની સાથે નગરજનોને મોટી રાહત થાય તેવો સૂર વ્યકત કરવામાં આવી રહ્યો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer