શિકારપુરમાં ઓનર કિલિંગ : યુવાનની હત્યાથી ચકચાર

શિકારપુરમાં ઓનર કિલિંગ : યુવાનની હત્યાથી ચકચાર
ગાંધીધામ, તા. 21 : ભચાઉ તાલુકાના શિકારપુરમાં રહેતા ક્રિપાલસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 20)નું કારમાં અપહરણ કરી તેને અજ્ઞાત જગ્યાએ લઇ જઇ તેની બે ઇસમોએ હત્યા નીપજાવી હતી. બાદમાં શિકારપુરના રામજી મંદિર ચોકમાં તેની લાશને ફેંકી દઇને બે ઇસમો નાસી ગયા હતા. પ્રેમ પ્રકરણે ઓનર કિલિંગના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.આ ચકચારી બનાવ અંગે પોલીસ  મથકેથી મળતી વિગતો મુજબ આજે સવારના ભાગે આ બનાવ બન્યો હતો. ગામના જ ઇમરાન શેરમામદ ત્રાયા અને મુસ્તાક રસુલ ત્રાયા નામના ઇસમોએ આ બનાવને અંજામ આપ્યે હતો.પોલીસે ઉમેર્યું હતું કે, મુસ્તાક રસુલ ત્રાયાની બહેન અને આ ક્રિપાલસિંહ ગત તા. 19-1નાં રાત્રિના ભાગે ઘર છોડીને જતા રહ્યા હતા. એક બીજાની સહમતીથી આ યુવક અને યુવતી રાપરના મોમાયમોરા ગામમાં હતા. જ્યાંથી આજે વહેલી સવારે આ બન્નેને પરત ઘરે લઇ અવાયા હતા. પછીથી ક્રિપાલસિંહના મોટાભાઇ તથા આ બનાવના ફરિયાદી એવા રાજેન્દ્રસિંહને ઇમરાન ત્રાયાએ ફોન કર્યો હતો અને અમે બહાર ચોકમાં ઊભા છીએ પતાવટની વાત કરવી છે , તમે બહાર આવો તેમ કહી આ ફરિયાદીને બહાર બોલાવ્યો હતો. ત્યા કાર નંબર જીજે- 12-ડીએમ- 2835માં ઇમરાન તથા મુસ્તાક રસુલ ત્રાયા બેઠા હતા. તારો ભાઇ ક્રિપાલ કયાં છે તેમ કહી પતાવટ કરી નાખીએ, તેને બોલાવો તેવું કહ્યું હતું. પરિણામે આ યુવાને પોતાના નાના ભાઇ ક્રિપાલસિંહને અહીં બોલાવ્યો હતો. તમે બંને કારમાં બેસો આપણે પતાવટની વાત કરીએ તેવું આરોપીઓએ કહેતાં જેથી આ બંને ભાઇઓ કારમાં સવાર થયા હતા. આ કારને થોડે આગળ લઇ ગયા બાદ રાજેન્દ્રસિંહને માર મારી તેને છરી બતાવી કારનો દરવાજો ખોલી દેવાયા બાદ ધક્કો મારી તેને નીચે ઉતારી દેવાયો હતો અને આ શખ્સોએ ક્રિપાલસિંહનું અપહરણ કરી તેને અજ્ઞાત જગ્યાએ લઇ ગયા હતા જ્યાં કોઇ તીક્ષ્ણ અને ધારદાર  હથિયાર વડે આ યુવાનને ગળાના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. બાદમાં તેની લાશને રામજી મંદિર ચોકમાં ફેંકીને આ બન્ને ઇસમો નાસી ગયા હતા. આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આ ચકચારી બનાવ પ્રકાશમાં આવતાં પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે ધસી ગયા હતા અને ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer