`કવીશ્વર દલપતરામ સંસ્કૃતિ પુરુષ હતા''

`કવીશ્વર દલપતરામ સંસ્કૃતિ પુરુષ હતા''
જયદીપ જોશી દ્વારા-   ભુજ, તા. 21 : `દલપતરામ સંસ્કૃતિ પુરુષ હતા અને તેથી જ તેઓ કવીશ્વર તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રસ્થાપિત થયા છે. ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાની ચિંતા આજથી બસો વર્ષ પહેલાં તેમણે કરી હતી તેમજ સુધારાનો સાર હળવા અને કટાક્ષના માધ્યમથી તેમણે આપ્યો' તેવું આજે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ઉપક્રમે આયોજિત વ્યાખ્યાનમાળામાં જાણીતા સર્જક ડો. રમણ સોનીએ કહ્યું હતું. વકીલ પ્રેમજી રાઘવજી ચેરિટેબલ ?ટ્રસ્ટ દ્વારા ચાલતી સાહિત્યિક વ્યાખ્યાનમાળા અંતર્ગત `પ્રથમ યુગના કવીશ્વર દલપતરામ' વિષય ઉપર મુખ્ય વકતા અને ગુજરાતી સાહિત્યના વિવેચક, સંપાદક, પ્રવાસ લેખક ડો. સોનીએ યુનિ.ના કોર્ટ હોલમાં કવીશ્વર શબ્દની વ્યાખ્યા આપતાં દલપતરામને સંસ્કાર પુરુષ કહી  સમગ્ર સમાજને કાવ્યાત્મક શૈલીના માર્ગથી સુધારા તરફ લઇ ગયા હતા અને સતત તેના માટે પ્રવૃત્તિશીલ રહ્યા હોવાથી તેમને કવીશ્વર કહેવું યોગ્ય ગણાશે તેમ જણાવી  યુવાનોને સમાજ અને ભાષા માટે ઉદ્યમશીલ બનવા ટકોર કરી હતી. કવીશ્વર દલપતરામ એટલે સંસ્કૃતિ અને સંસ્કારોને સંવર્ધનારા સર્જક. દલપતરામે સમાજના સર્વાંગી ઉત્થાન માટે સાહિત્યને પસંદ કર્યું એ ગૌરવપૂર્ણ બાબત કહેવાય. વિદ્યાર્થીઓ ભાષાનું યોગ્ય આદાન-પ્રદાન કરશે તો તેની સેવા કરી ગણાશે તેવી અધ્યાપક સંઘના પ્રમુખ રહી ચૂકેલા સંશોધક અને સર્જકે જણાવી સુધારો ધીમે-ધીમે થતો હોઈ દલપતરામે ધીર-ગંભીર બની સુધારાની શરૂઆત કરી હતી અને તે માટે કાવ્યાત્મક ભાષાશૈલી અપનાવી હતી તેમ ઉમેર્યું હતું. તો અતિથિવિશેષ તરીકે  ડો. ધીરેન્દ્ર મહેતાએ કવિ દલપતરામના જન્મની દ્વિશતાબ્દીની શરૂઆત જ થઇ હોવાથી તેમનો કચ્છ સાથે વિદ્યાર્થી તરીકેનો નાતો હોઇ કચ્છની વિવિધ સંસ્થાઓ ભિન્ન-ભિન્ન પ્રકારની  સાહિત્યિક રચનાત્મક પ્રવૃત્તિઓ કરે તેટલા આયામો તેમણે વિકસાવ્યા છે તેવું જણાવી તે દિશામાં આખું વર્ષ આયોજન કરાય તેમ જણાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થિની પાયલ ધોળકિયાની પ્રાર્થનાથી થઇ હતી. ત્યારબાદ ડો. દર્શનાબેને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરતાં ગુજરાતી સાહિત્યના અર્વાચીનકાળના પ્રથમ કવિ દલપતરામની 200મી જન્મ જયંતીએ આ વ્યાખ્યાનમાળાના માધ્યમથી સાહિત્યિક અર્ઘ્ય આપવાનો કચ્છ યુનિ. અને ગુજરાતી વિભાગનો પ્રયાસ છે. જેનો લાભ સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને મળશે તેવું તેમણે જણાવ્યું હતું. યુનિ.ના કુલ સચિવ ડો. તેજલ શેઠ મંચસ્થ રહ્યા હતા. મુખ્ય વકતાનો પરિચય લાલન કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. પ્રવીણ રથવીએ આપ્યો હતો. સંચાલન પૂજા કશ્યપે કર્યું હતું, જ્યારે આભારવિધિ પ્રા. ડો. ભાવેશ જેઠવાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં ભાષા ભવનના વિદ્યાર્થીઓ સહયોગી રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer