કોઠારામાં રાંધણગેસના 20 શંકાસ્પદ બાટલા સાથે પૈયાનો યુવાન ઝડપાયો

કોઠારામાં રાંધણગેસના 20 શંકાસ્પદ બાટલા સાથે પૈયાનો યુવાન ઝડપાયો
કોઠારા (અબડાસા), તા. 21 (પ્રતિનિધિ દ્વારા) : આધાર અને પુરાવા વગરના વિવિધ કંપનીના રાંધણગેસના 20 બાટલા સાથે અત્રેની પોલીસે તાલુકાના પૈયા ગામના નાનુભા નામોરજી સોઢાને પકડી પાડી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા સાથે આગળની કામગીરી માટે પુરવઠા શાખાને રિપોર્ટ કર્યો હતો. કોઠારામાં દેના બેન્ક પાસે જૈન દેરાસર તરફ જતી ગલીમાં આવેલા નાના ગોદામમાં બાતમીના આધારે સ્થાનિક પોલીસે આજે સવારે દરોડો પાડયો હતો, જેમાં પૈયાના નાનુભા સોઢાને ભારત કંપનીના બાર, ઇન્ડેન કંપનીના સાત અને રિલાયન્સ કંપનીનો એક બાટલો મળી કુલ્લ 20 બાટલા સાથે પકડી પાડયો હતો. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે આરોપી પાસેથી 41 (1) ડી. મુજબ ગેસના બાટલા કબ્જે કરાયા હતા. તો તેની અટક પણ કરવામાં આવી હતી. પ્રકરણ વિશેની આગળની કાર્યવાહી માટે પોલીસે પુરવઠા વિભાગને અહેવાલ મોકલી આપ્યો હતો. અત્રેના પોલીસ મથકના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રાસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે સબ ઇન્સ્પેકટર એચ.એચ. જાડેજા સાથે સ્ટાફના ઉમેશ બારોટ, નીરવ ડામોર, અશોક કરમટા વગેરે દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer