મિસિસ ઈંગ્લેન્ડ યુનિવર્સ આદિપુરની વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે

મિસિસ ઈંગ્લેન્ડ યુનિવર્સ આદિપુરની વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે
ગાંધીધામ, તા. 21 : મિસિસ ઈન્ડિયા યુ.કે., મિસિસ બ્રાન્ડ એમ્બેસેડર, મિસિસ ઈંગ્લેન્ડ યુનિવર્સ અને મિસિસ ગ્લેમરસ 2019નો તાજ પહેરનારી મૂળ ગાંધીધામની અને હાલે ઈંગ્લેન્ડમાં રહેનારી ડોલી આહુજાએ આદિપુરની વિદ્યાર્થિનીઓ માટે નિ:શુલ્ક કાઉન્સેલીંગ કરવાની જાહેરાત કરી હતી. છેલ્લા 15 વર્ષથી ઈંગ્લેન્ડમાં પતિ સાથે સ્થાયી થનારી અહીંની પુત્રી લોકોનું કાઉન્સેલીંગ કરે છે અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલી છે. 16 વર્ષની ઉંમરે તેણે ગરીબ બાળકો માટે ટયુશનના વર્ગો શરૂ કર્યા હતા. 18 વર્ષની ઉંમરે એક કામવાળી બહેનનું જીવન તેણે બચાવ્યું હતું. ઘાના તથા આફ્રિકાના અન્ય દેશો અને યુ.કે.માં પણ જુદા-જુદા મહિલા આશ્રમ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમોમાં તે સહાયતા કરતી હોવાનું તેણે આજની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ભારતનાં ઓરિસ્સામાં આવેલા અનાથ આશ્રમમાં તે આર્થિક મદદરૂપ થાય છે. મિસિસ ઈન્ડિયા યુ.કે. 2019માં કરેલું નૃત્ય તેણે કચ્છને સમર્પિત કર્યું હતું. બી.બી.સી. લંડન, બી.બી.સી. લોકલ રેડિયો, ત્યાંના મેયર, એમ.પી. સાથે મળીને લોકોની સેવા કરે છે. તેણે ઘરેલુ હિંસા રોકવા માટે પણ ઘણાં બધા કાર્યક્રમો કર્યા છે. તેણે કહ્યું હતું કે, જ્યારે મને તાજ મળ્યો છે મેં કચ્છને હંમેશા યાદ કર્યું છે. ઈંગ્લેન્ડ તથા આફ્રિકાની મહિલાઓ અંગેના પ્રખ્યાત મેગેઝિનોમાં ભારતીય મહિલાઓની તસવીર અગાઉ ક્યારેય છપાઈ ન હોતી અને તેવા પ્રખ્યાત મેગેઝિનોમાં પોતાની તસવીરો આવી તે માટે કચ્છ, ગુજરાત તથા પોતે ગર્વની લાગણી અનુભવે છે. તેણે કહ્યું હતું કે, હું આદિપુરની કરુણા વિહાર કન્યા સદનમાં મુલાકાતે ગઈ હતી. મેં આ વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક કાઉન્સેલીંગ તથા અન્ય મદદ કરવાનો નિર્ધાર કર્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer