ખાનગી કંપનીએ બનાવેલા પુલ થકી રહેવાસીઓ માટે સર્જાયું જીવનું જોખમ

ખાનગી કંપનીએ બનાવેલા પુલ થકી રહેવાસીઓ માટે સર્જાયું જીવનું જોખમ
અંજાર, તા. 21 : વરસામેડી ખાતે વેલ્સપન કંપની દ્વારા કંપનીના પાછળ (દક્ષિણ ભાગમાં)ના ભાગમાં પુલનું બાંધકામ કરવામાં આવ્યું છે. અંજાર-ગાંધીધામને જોડતા આ રોડ પાસે પુલ બનાવવાનો કંપનીનો ઉદેશ્ય એવો છે કે કંપનીના ભારે વાહનોનું પરિવહન ટૂંકાગાળામાં થઈ શકે. પરંતુ અંજારની સાંગ નદી પર બનાવવામાં આવેલ પુલનું બાંધકામ ખરેખર નિયમાનુસાર કરવામાં આવેલું કે કેમ એ તપાસનો વિષય છે. કારણ કે એ જે સ્થળે એ પુલનું નિર્માણ કરવામાં આવેલ છે તે સ્થળથી ફક્ત 20 ફૂટના અંતરે બાજુમાં આવેલ અન્ય ખાનગી કંપનીમાં કામ કરતા શ્રમિક લોકોની હંગામી વસાહતો આવેલી છે. જેના કારણે દિવસભર લોકોની અવરજવર ચાલુ રહે છે. જો વેલસ્પન કંપની દ્વારા નિર્માણ કરાયેલ પુલ પરથી ભારે વાહનોનું પરિવહન શરૂ કરવામાં આવશે તો આસપાસના લોકોના જીવ જોખમમાં રહેશે. તદુપરાંત આ પુલ અને અંજાર ગાંધીધામ રોડને જોડતા સર્વિસ રોડ વચ્ચે 2 કિ.મી. વધુનું અંતર છે. આ રોડની પહોળાઈ 8થી 10 ફૂટ જ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જો આ પુલને ભારે વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે તો ફક્ત 8થી 10 ફૂટ જેટલા સિંગલ લેન રોડ પર ભારેખમ વાહનોનું પરિવહન કઈ રીતે શક્ય બની શકે છે? અંજાર-ગાંધીધામ સર્વિસ રોડ દિવસ રાત ધમધમતો હાઈવે છે. ત્યારે એ રોડ પર સાઈડમાંથી ભારે વાહનો ચડશે તો અકસ્માતની પૂરેપૂરી સંભાવના રહેલી છે. પ્રશ્નએ પણ થાય છે કે જે તે વિભાગે શું આવી મહત્વની બાબતોની પણ ચિંતા નહીં કરી હોય કે પછી કંપનીને સુવિધા પ્રદાન કરવા માટે નિયમોને પણ નેવે મૂકી દેવામાં આવ્યા છે. એ તપાસનો વિષય છે. એ વાત સ્પષ્ટ થાય છે કે પુલ બનાવવા માટે મંજૂરી આપનાર સરકારી તંત્રે આગળના સર્વિસ રોડ અંગે કોઈ તકેદારી દાખવી નથી. જો ભવિષ્યમાં કોઈ મોટા અકસ્માત દ્વારા જાનમાલને નુકસાન થશે તો જવાબદારી સરકારી તંત્રની કે પછી પુલ બનાવનાર ખાનગી કંપનીની  તેવો સવાલ પુછાઈ રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer