સ્વસ્થ બાળકના ઘડતર માટે આદર્શ માતા બનવું જરૂરી

સ્વસ્થ બાળકના ઘડતર માટે આદર્શ માતા બનવું જરૂરી
ભુજ, તા. 21 : નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની આગોતરી ઉજવણી અંતર્ગત તંદુરસ્ત બાળ હરીફાઇના વિજેતાઓને પુરષ્કૃત કરાયા હતા. આ ઉપરાંત ભુજના બાળરોગ અને ત્રીરોગ નિષ્ણાતોના વક્તવ્યનું આયોજન કરાયું હતું. ભુજ નગરપાલિકા અને લાયન્સ હોસ્પિટલના સહયોગથી તથા `કચ્છમિત્ર'ના પ્રચાર-પ્રસારના સહયોગ સાથે લાયન્સ હોસ્પિટલમાં ગઇકાલે ભાગ લેનાર બાળકોના સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ આજે ટાઉનહોલ ખાતે વિજેતાઓને પુરસ્કૃત કરાયા હતા. `સ્વસ્થ બાળ-સ્વસ્થ રાષ્ટ્ર' ઉક્તિને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમના સમાપને બાળરોગ નિષ્ણાત ડો. ચિંતન ગણાત્રા, ડો. મોનિલ શાહ, ત્રીરોગ નિષ્ણાત ડો. પ્રફુલ્લાબેન ભીંડે, ડો. સુરભિ વેગડ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે બાળ સ્વાસ્થ્ય અને માતૃત્વ સ્વાસ્થ્ય સંબંધી સરકારની વિવિધ યોજનાઓનો ચિતાર આપતાં સ્વાસ્થ્ય સંબંધી ટિપ્સ આપી હતી. ડો. પ્રફુલ્લાબેને સ્વસ્થ બાળકનું ઘડતર કરવા પ્રથમ આદર્શ માતા બનવું પડે તેવું જણાવ્યું હતું. બાળકની યાદ શક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં આવતી ઓટ જેવા મોબાઇલના દુષ્પ્રભાવથી બાળકોને બચાવવા ડો. સુરભિબેને ટકોર કરી હતી. આરામ અને આહારનું વ્યવસ્થાપન બાળકના સ્વાસ્થ્ય માટે અતિ અગત્યનું પાસું છે તેવું ડો. ચિંતનભાઇએ, તો ડો. મોનિલભાઇએ જન્મજાત શિશુને એક માસ સુધી કેવું વાતાવરણ અને કઇ-કઇ બાબતે સતર્કતા રાખવી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સ્પર્ધાના વિજેતાઓમાં 0થી 1 વર્ષની શ્રેણીમાં જન્મેજય પરમાર-પ્રથમ, પિહાન બળિયા-દ્વિતીય, સિયા વર્મા-તૃતીય, 1થી 2 વર્ષની શ્રેણીમાં ધનસ્વી વચ્છરાજાની-પ્રથમ, પૂર્વાસ ઠક્કર-દ્વિતીય, પ્રાન્સુ બાવીસી-તૃતીય, તો 2થી 3 વર્ષની શ્રેણીમાં જેની ખત્રી-પ્રથમ, જિષ્નુ જોશી-દ્વિતીય અને મનવીર દાવડા-તૃતીય ક્રમે વિજેતા ઘોષિત કરાયા હતા. ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઇ રાણા, પૂર્વ ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન ગોદાવરીબેન ઠક્કર, નગરસેવિકાઓ રશ્મિબેન સોલંકી, બિંદિયાબેન ઠક્કર, જિજ્ઞાબેન ઠક્કર, હેમલતાબેન ભાનુશાલી, રીટાબેન મોતા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, મહામંત્રી અનિલભાઇ છત્રાળા, મહિલા મોરચાના પ્રમુખ મંદાબેન પટ્ટણી, લાયન્સ હોસ્પિટલ ચેરમેન ભરતભાઇ મહેતા, લાયન્સ કલબ ઓફ ભુજના પ્રમુખ પ્રફુલ્લભાઇ શાહ, સેક્રેટરી શૈલેન્દ્રભાઇ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer