વ્રજવાણીના ખરાખરીના જંગમાં 15 મતથી નરસિંહભાઇનો વિજય

વ્રજવાણીના ખરાખરીના જંગમાં 15 મતથી નરસિંહભાઇનો વિજય
રાપર, તા. 21 : તાલુકાના વ્રજવાણી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીના ખરાખરીના જંગમાં 15 મતથી નરસિંહ હરખાભાઇ ચૌધરીનો વિજય થયો હતો. આ જંગમાં નોટા 33 મતની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ગત રવિવારે યોજાયેલી રાપર તાલુકાના વ્રજવાણી ગ્રામ પંચાયતના સરપંચ પદની ચૂંટણીમાં કુલ્લ 1218 મતદારમાંથી 1050 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં આજે સવારે નવ વાગ્યાથી રાપર તાલુકા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે.ની સૂચના અને તાલુકા મામલતદાર એચ. જી. પ્રજાપતિની અધ્યક્ષતામાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ઉમેદવારો અનુક્રમે ગણેશભાઇ સામતાભાઇ ચૌધરીને 501 મત, નરસિંહ હરખાભાઇ ચૌધરીને 516 મત, નોટામાં 33 મત પડયા હતા. આમ નરસિંહ હરખાભાઇ ચૌધરીનો પંદર મતે વિજય થયો હતો. આજે મતગણતરી દરમિયાન વ્રજવાણીના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિજયી થયેલા ઉમેદવાર નરસિંહભાઇનું સ્વાગત કરી અભિનંદન આપ્યા હતા. મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારી સામતભાઇ મકવાણા, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, ધ્રુવભાઇ સોલંકી, ડી.પી. રાઠોડ, જેસંગભાઇ પરમાર, ભાઇલાલ સતાપરા, પીયૂષ ચૌહાણ, જયેશ પટેલ વિગેરે જોડાયા હતા. તો બાલાસર પી.એસ.આઇ. બી.જે. પરમાર, વિક્રમ દેસાઇ સહિતના પોલીસ સ્ટાફે બંદોબસ્ત જાળવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer