ગાંધીનગરમાં રાજ્યના 10 હજાર પ્રા. શિક્ષકોના ધરણા

ગાંધીનગરમાં રાજ્યના 10 હજાર પ્રા. શિક્ષકોના ધરણા
ગાંધીનગર, તા. 21 : અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત રાજ્ય કક્ષાનો શિક્ષક ધરણા કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં કચ્છમાંથી 180 શિક્ષક જોડાયા હતા. રાજ્યકક્ષાના લાંબા સમયથી વણઉકેલ્યા સીસીસી પરીક્ષાની મુદ્દતમાં વધારો કરવા, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 ગ્રેડ પે આપવા, સાતમા પગારપંચના બાકી ભથ્થાં જાહેર કરવા, શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી ન સોંપવા, વિદ્યાસહાયકોને મળતી ખાસ રજાઓની સ્પષ્ટતા કરવા સહિતના રાજ્યકક્ષા પ્રશ્નો ઉપરાંત જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા સહિતના રાષ્ટ્રીય કક્ષાના પડતર પ્રશ્નો સંદર્ભે લડતના તબક્કાવાર કાર્યક્રમ અંતર્ગત આ રાજ્ય કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશ પટેલ, કોષાધ્યક્ષ ભાભલુ વરૂ, અરવિંદ ચાવડા, નરેન્દ્ર ગોહેલ સહિતના સિનિયર આગેવાનોએ શિક્ષકોના પ્રશ્નો માટે છેવટ સુધી લડી લેવા નિર્ધાર વ્યકત કર્યો હતો. આવનારા સમયમાં પણ પ્રશ્નો બાબતે જો ગંભીરતા નહીં દાખવામાં આવે તો આગામી 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના સંસદ ભવન સામે જંતર-મંતર મેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાએ રેલી, ઉપવાસ તથા ધરણા સહિતના કાર્યક્રમ યોજી દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તથા માનવ સંશાધન વિકાસમંત્રીને આવેદનપત્ર અપાશે તેવો હુંકાર કર્યો હતો. ગાંધીનગર ખાતે ધરણા યોજ્યા બાદ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના  હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાણામંત્રી નીતિન પટેલ તથા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના આ ધરણા કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાંથી પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ ગોયલ, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિતેન્દ્ર ઠક્કર, ઘનશ્યામસિંહ જાડેજા, આશાભાઇ રબારી, જખુ મહેશ્વરી, સામજી વરચંદ, ઘનશ્યામ પટેલ સહિતના રાજ્ય, જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારો સહિત 180 જેટલા પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer