વડતાલ ગાદીના સંતોનું સાધુ જીવન અન્ય ત્યાગીઓ માટે પ્રેરક

વડતાલ ગાદીના સંતોનું સાધુ જીવન અન્ય ત્યાગીઓ માટે પ્રેરક
વસંત પટેલ દ્વારા-  કેરા (તા. ભુજ), તા. 21 : સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેનો ધર્મધ્વજ શિરમોર રહ્યો છે એવા વડતાલ લક્ષ્મીનારાયણ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે એકાદશીના દિને 55 મુમુક્ષુ યુવાનોને સામૂહિક દીક્ષા આપી સંખ્યાનો ઇતિહાસ રચી દીધો હતો. સંસાર ત્યાગી સંતોએ આધુનિક સમયમાં પતન કરાવવા નિમિત્ત ઉદ્દીપનોના ત્યાગનો સંકલ્પ લીધો હતો, જે સૌ કોઇ ત્યાગીઓ માટે પ્રેરક હોવાનું કહેવાયું હતું. સમર્થ સંત વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ કહ્યું; ભલે અમે 18 વર્ષ દૂર રહ્યા પણ અમારું હૃદય વડતાલ સાથે છે. એટલે જ અમારા 55 જેટલા શિષ્યોએ આજે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ગોપાળાનંદ સ્વામીના આસને દીક્ષા ગ્રહણ કરી લીધી છે. આ પ્રસંગે આચાર્ય  મહારાજે જણાવ્યું હતું કે, નિત્ય સ્વરૂપ સ્વામી સાધુ ગુણે સંપન્ન સંત છે. તેમણે અત્યાર સુધી 85 જેટલા મંદિર કરી સંપ્રદાયની શાન વધારી છે.આજે તેમના 55 જેટલા મુમુક્ષુ પાર્ષદોને દીક્ષા આપતાં અમને આનંદ થાય છે. દીક્ષિત સંતો પૈકી 35 સંસ્કૃતના વિદ્વાન છે. તો તમામ અંગ્રેજી અને હિન્દી જાણે છે. વિશેષ વાત એ છે કે આ તમામ યુવા સંતોએ શિક્ષાપત્રી અને ગુરુની આજ્ઞામાં રહી મોબાઇલ, લેપટોપ અને ઇન્ટરનેટનો સંપૂર્ણ ત્યાગ કરેલ છે. તેથી આ ઘટના સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અને અન્ય સૌ માટે પ્રેરક છે.દશેક હજારથી વધુ હરિભક્તોની નિશ્રામાં યોજાયેલા દીક્ષા સમારોહમાં વિદ્વાન સંત નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ કહ્યું, બધી ઘટના ઇશ્વર આધીન છે. હરિ કરે તે સારું કરે, કર્તાહર્તા સ્વયં પરમાત્મા છે.કુંડળવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી, મહાસભાના પ્રમુખ શાત્રી નૌતમપ્રકાશદાસજીએ કહ્યું; એક સમયે વડતાલમાં 800ની સંત સંખ્યા હતી તે અખંડ દ્રશ્ય આજે પુન: સાકાર પામ્યું છે.વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી, ડો. સંતવલ્લભ સ્વામી, ચેરમેન દેવ સ્વામી, ગાંધીનગરથી જ્ઞાનજીવન સ્વામી, અમરોલીથી હરિવલ્લભ સ્વામી, ધર્મપ્રસાદ સ્વામી, બાપુ સ્વામી, ભુજ સ્વામિનારાયણ મંદિરેથી મહંત સ્વામીના પ્રતિનિધિ સંત શાત્રી અક્ષરસ્વામી આદિ સંતો ઉપસ્થિત રહ્યા હતા. 
    નાઇરોબીમાં વડતાલનું મંદિર  કચ્છીઓનો હિજરતી ઇતિહાસ અત્યાર સુધી અ'વાદ નરનારાયણ દેવ ગાદી હેઠળ સત્સંગ વિકાસ કરતો આવ્યો છે. કેન્યાના પાટનગર નાઇરોબીમાં બે વિશાળ અને ઐતિહાસિક મંદિરો છે. પરંતુ હવે વડતાલ સ્વામિનારાયણ ગાદી હેઠળ પ્રથમ મંદિર નાઇરોબીમાં સર્જવા જમીન ખરીદાઇ?હોવાનું કચ્છ લેવા પટેલ સમાજ ભુજના દાતા કે. કે. પટેલ (કે-સોલ્ટે) કચ્છમિત્રને વિગતો આપતાં જણાવ્યું હતું. સંપ્રદાયના કોઇપણ સાધુ માનભેર ઉતારા પામી સત્સંગ કરાવી શકે તે સુનિશ્ચિત કરવા કચ્છી હરિભક્તો પૈકીના પ્રયાસરત છે તે અનુસંધાને કેન્યામાં વડતાલનું લક્ષ્મીનારાયણ દેવ ગાદી હેઠળ ભવ્ય મંદિર બંધાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer