ગાંધીધામના અપહરણ-બળાત્કાર પ્રકરણમાં આરોપીને 10 વર્ષની કેદ

ગાંધીધામ, તા. 21 : શહેરના ભારતનગર-9બી વિસ્તારમાંથી એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં અહીંની કોર્ટે આરોપીને 10 વર્ષની સજાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો.અંજારની યમુના પાર્ક સોસાયટીમાં રહેનાર એક કિશોરી પોતાના કાકાના ઘરે ગાંધીધામ ભારતનગરના 9બી વિસ્તારમાં  આવી હતી. આ કિશોરી પોતાના કાકાના ઘરે ગત તા. 1/1/2015ના રાત્રે જમીને સૂઇ ગઇ હતી. બાદમાં બીજા દિવસે સવારે તે ક્યાંક ગુમ થઇ ગઇ હતી. દરમ્યાન ગુમ થયેલી આ કિશોરીની તેના પરિવારજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો ન હતો.શહેરના વોર્ડ-12 બીમાં રહેનારા ધર્મેશ અરવિંદ ગોહિલ ઉપર શંકા જતાં આ શખ્સની તપાસ કરાઇ હતી. આ શખ્સ પણ અહીંથી ગુમ જણાયો હતો. પરિણામે આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં ભોગ બનનાર કિશોરી આ શખ્સ સાથે મળી આવી હતી. આ શખ્સે કિશોરી સાથે બદકામ કર્યું હોવાનું બહાર આવતાં બળાત્કાર તથા પોકસોની કલમ-6નો ઉમેરો કરવામાં આવ્યો હતો.પોલીસે આ શખ્સની ધરપકડ કર્યા બાદ પૂરતા પુરાવા હોવાથી  અહીંની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ફરિયાદી પક્ષ તરફથી 17 સાહેદોને તપાસવામાં આવ્યા હતા તથા 23 દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ આધાર-પુરાવા તથા લેખિત-મૌખિક દલીલો બાદ ન્યાયાધીશ આર.જી. દેવધરાએ આ આરોપી ધર્મેશ અરવિંદ ગોહિલને તક્સીરવાન ઠેરવ્યો હતો અને તેને જુદી જુદી કલમો હેઠળ 10 વર્ષની કેદ તથા રૂા. 7000નો દંડ તથા જો દંડની રકમ ન ભરે તો વધુ 30 મહિનાની સજાનો ચુકાદો આપ્યો હતો. ભોગ બનનારને યોગ્ય વળતર મળી રહે તે માટે આ ચુકાદાની નકલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને મોકલવામાં આવી હતી. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કુ. હિતેષીબેન પી. ગઢવી હાજર રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer